ગુજરાતમાં દારુબંધી હોવા છતાં પ્રતિવર્ષ પકડાતા દારુની કિંમતનો આંકડો કરોડોમાં નોંધાય છે. અત્યાર સુધી તો દારુના વ્યવસાયમાં અભણો કે ઓછું ભણેલા લોકો જ જોતરાતા હતા. પરંતુ લોકડાઉન બાદ અનેક લોકોએ રોજગાર ગુમાવી દેતા કેટલાય લોકો દારુના વેપલા સાથે જોડાઈ ગયા છે. અરે, ખુદ પોલીસ કર્મીઓ પણ હવે બુટલેગર તરીકે કામ કરી રહ્યાના કિસ્સા બહાર આવી રહ્યા છે. સૌરાષ્ટ્રમાં પોલીસની છત્રછાયા હેઠળ ચાલતા દારૂના વેપલાનો પર્દાફાશ થઈ ગયો છે. આ વેપલામાં પોલીસ તંત્રના જ બે કર્મચારી પણ મુખ્ય કારીગર નીકળ્યા છે.
મળતી વિગતો એવી છે કે, મોરબીના જાંબુડિયા ગામ પાસે ઓવરબ્રીજ પર બુધવારે વહેલી સવારે એક સ્કોર્પિયો ગાડી પલટી મારી ગઈ હતી. આ અકસ્માત સમયે તે ગાડીમાં દારુનો જથ્થો ભરેલો હતો. તેથી વાહનમાંથી રસ્તા પર દારૂની રેલમછેલ થઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ સ્થળ પર પહોંચી તો હતી.
પરંતુ તેણે કાયદાકીય કાર્યવાહી કરીને દારુનો જથ્થો કબજે કરવાની જગ્યાએ દારૂને બીજી ગાડીમાં સગેવગે કરવાની કવાયત કરી હતી. સમગ્ર ઘટનાને છૂપાવવા માટે કાર ચાલકે સ્થળ પર ભેગા થયેલા લોકો પર પણ રોફ ઝાડ્યો હતો. જો કે, મોરબી પોલીસના અન્ય કર્મચારીઓને જાણ થઈ ગઈ હતી કે, સ્કોર્પિયો ગાડીમાં દારૂ ભર્યો છે. એટલું જ નહીં કારમાં બેઠેલા બંને વ્યક્તિ પોલીસ ખાતાના જ કર્મચારી છે. તેથી પોલીસના અન્ય કર્મીઓ ત્યાં પહોંચી જતા ઘટનાનો ભાંડો ફુટી ગયો હતો. સુત્રોના જણાવ્યા મુજબ રાજકોટના માલવીયા નગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા LRDના બે જવાન દારૂની હેરાફેરમાં સામેલ હતા. મોરબી-વાંકાનેર હાઈવે પર એમની કાર નં.GJ-03L-4455 જાંબુડિયા પાસે ઓવરબ્રીજ પર પલટી મારી જતા દારુની બોટલ રસ્તા પણ વેરણછેરણ થઈ ગઈ હતી. આ અકસ્માત બાદ બીજી એક ઈકો ગાડીમાં માલ લઈ જવા માટેની યોજના હતી. બંને વ્યક્તિએ લોકો પર રોફ જમાવીને પોલીસ સાથે પણ માથાકુટ કરી હતી પરંતુ મોરબી પોલીસના અન્ય કર્મચારીઓએ તેને કાયદા સમજાવ્યા હતા. આખરે તે જવાન રાજદીપસિંહ અશોકસિંહ જાડેજા (રહે. રાજકોટ નજીક રિબડા ગામ) અને પૃથ્વીરાજસિંહ રણજીતસિંહ જાડેજાની ધરપકડ કરાઈ હતી. ઘટનાને પગલે રસ્તા પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. વિદેશી દારૂની 36 બોટલ, બીયરના 32 ટીન, બે મોબાઈલ અને કાર સહિત કુલ 546920 રૂ.નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો.