ગુજરાત સહિત દેશમાં કોરોનાને કારણે વકરી રહેલી સ્થિતિમાં ઓક્સિજન, દવા અને ઈન્જેકશનની અછત જેવી મોટી સમસ્યાનો સામનો દર્દીઓ અને સરકાર કરી રહી છે. દેશના પશ્ચિમી રાજ્યોમાં કોરોના સંક્રમણ હળવું થયુ છે તો હવે ઉત્તરના રાજ્યોમાં તેની ભયાનક અસર દેખાઈ રહી છે. હાલમાં દેશના યુપી, બિહાર અને દિલ્હી સહિતના રાજ્યોમાં કોરોના બેડ, ઓક્સિજનની તીવ્ર અછત, ઈન્જેક્શન માટે લાઈનો લાગી રહી છે. દેશમાં સર્જાયેલી આ કપરી સ્થિતિની વિગતો જાણીને વિદેશમાં વસવાટ કરતા ભારતીયો ફરી વતનની મદદ કરવા આગળ આવી રહ્યા છે. અત્યાર સુધી અમેરિકા, રશિયા સહિતના અનેક દેશોએ ભારતને મદદ કરી છે. હવે વિદેશોમાં વસતા ભારતીયો મદદ માટે સક્રિય થયા છે. વિદેશમાં વસતા ભારતીયોએ મદદ કરતા આજે ગુજરાતના ગામડે ગામડે આઈસોલેશન સેન્ટર શરુ કરાયા છે. હવે ઓક્સિજનની સમસ્યા નિવારવા માટે મોટી સંખ્યામાં મશીનો પણ વિદેશથી આવી રહ્યા છે. યુએસથી પાટીદારોએ પોતાના વતન ગુજરાત માટે સહાય કરવાનું શરુ કર્યું છે. સૌરાષ્ટ્રના પાટીદાર સમાજના લોકોએ મનમૂકીને દાન આપતા હવે રાજ્યમાં સ્વૈચ્છિક સંગઠનોની મદદથી સુવિધા ગોઠવાઈ રહી છે. પ્રોજેક્ટ માતૃભૂમિ અંતર્ગત આ ઓક્સિજન કોન્સન્ટ્રેટર એટલે કે પોર્ટેબલ ઓક્સિજન મશીનો એર કાર્ગો, એર ઇન્ડિયા, યુપીએસ અને બાલાજી વેફર્સના સહયોગથી સૌરાષ્ટ્રના દર્દીઓ સુધી પહોંચાડવામાં આવનાર છે. મળતી વિગતો મુજબ અમેરિકાના સૌરાષ્ટ્ર પટેલ કલ્ચર સમાજે ગુજરાતના ગામડાઓમાં કોરોનાના દર્દીઓ માટે ઓક્સિજનના મશીનો મોકલવાનો નિર્ણય કર્યો છે. આ માટે સમાજે યુએસમાં જ માત્ર 4 જ દિવસમાં 5 કરોડ એકત્ર કર્યા છે. આ રકમમાંથી તેઓએ 100થી વધુ ઓક્સિજન મશીન અને અન્ય મેડિકલ સાધન સામગ્રી ખરીદી છે. આ તમામ જથ્થાને ભારત મોકલવા તૈયારી થઈ રહી છે. અમેરિકા છેલ્લા 40 વર્ષોથી સૌરાષ્ટ્ર પટેલ કલ્ચર સમાજ આ પ્રકારની સેવાપ્રવૃત્તિ અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ કરે છે. 2800 આજીવન અને 15,000 સભ્યો ધરાવતી આ સંસ્થા સૌરાષ્ટ્રના ગામડાઓમાં કોરોના દર્દીઓ માટે તમામ સુવિધા ઉભી કરવાની નેમ રાખે છે. આગામી દિવસોમાં ઓક્સિજન કોન્સન્ટ્રેટર ભારત આવ્યા બાદ તેને ગુજરાતના ગામડાઓમાં મોકલાશે.