ભારતમાં કોરોનાની બીજી લહેર હવે લગભગ અંત તરફ જઈ રહી છે. જો કે, દેશમાં ત્રીજી લહેરની આશંકા હોવાથી સરકાર દ્વારા રસીકરણ કાર્યક્રમને આગળ વધારવામાં આવી રહ્યો છે. અત્યાર સુધી 45થી વધુ વયનુ જૂથ અને 18થી 44 વર્ષના નાગરિકોને રસી આપવામાં આવી છે. બાળકો માટે પણ આ રસીની આવશ્યકા હોવાથી કંપનીઓ દ્વારા તે વિશે સંશોધનો થતા હતા. દરમિયાનમાં દવા બનાવતી ગુજરાતની કંપની ઝાયડસ કેડિલાએ ગુરૂવારે બાળકો માટેની રસી બનાવ્યાનો દાવો કર્યો હતો. કંપનીના સુત્રોએ જણાવ્યું હતુ કે, ભારતમાં 12 વર્ષથી વધુ ઉંમરના બાળકોને કોરોના સામે રક્ષણ આપી શકાય તેવી રસીની શોધ અમે કરી છે. આ રસીના ઇમરજન્સી ઉપયોગ માટે કંપનીએ સરકાર પાસે મંજૂરી માંગી છે. જો સરકાર આ વિશે નિર્ણય લેશે તો બાળકોને માટે આ રસી ઉપલબ્ધ થશે.
ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયામાંથી મંજૂરી મળ્યા બાદ 12+વાળા બાળકોનો રસીકરણ કાર્યક્રમ શરૂ કરવા કંપની ઈચ્છે છે. સમાચાર એજન્સીએ પણ ઝાયડસ કેડિલાએ ભારતના ટોપ દવા નિયામક સમક્ષ બાળકોની રસી માટે અરજી કર્યાની વાતને પૃષ્ટિ આપી છે. એજન્સીના જણાવ્યા મુજબ કેડીલાએ ડીએનએ વેક્સીન Zycov-Dના ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી માંગી છે. કંપનીએ રસીના ત્રીજા તબક્કાના ટ્રાયલનો ડેટા રજૂ કર્યો છે, જેમાં 28000થી વધુ વર્ષના વોલેન્ટિયરોએ ભાગ લીધો હતો. આ રસી બાળ દર્દીની સુરક્ષા અને અસરકારકતાના માપદંડોમાં સફળ થયાનો દાવો કંપનીએ કર્યો છે. જો સરકાર આ રસીના ઉપયોગની મંજૂરી આપશે તો જુલાઇના અંત સુધીમાં કે ઑગસ્ટમાં 12-18 વર્ષના બાળકોને રસી આપી શકાશે. આ પહેલાં ભારત બાયોટેકની કોરોના વેકસીન કોવેક્સિનને મંજૂરી મળી ચૂકી છે. ઉલ્લેખનીય છે કે, ભારતમાં કોરોનાની ત્રીજી લહેર આવવાની શકયતા છે. આવા સંજોગોમાં તેની અસર સૌથી ઓછી થાય તે માટે સરકાર આખા દેશમાં મોટાપાયે રસીકરણ કાર્યક્રમ ચલાવી રહી છે્. આવા સંજોગોમાં બાળકો માટેની રસી પણ ઉપલબ્ધ થાય તે માટે ચર્ચા ચાલી રહી છે.