ઝારખંડના ધનબાદ જિલ્લામાં રવિવારે સવારે શૌચક્રિયા માટે જઈ રહેલો યુવક અચાનક જ અદ્રશ્ય થઈ ગયો હતો. આ દ્રશ્ય જોનારા લોકો પણ થરથર કાંપી ઉઠ્યા હતા. પહેલાં તો આ તમામ લોકોને કાંઈપણ સમજાયું ન હતુ. પરંતુ તે પછી થોડી ક્ષણોમાં જ માલુમ પડ્યું કે ધરતી ફાટી છે અને યુવક મોટા ખાડામાં સમાઈ ગયો છે. આખરે સ્થાનિકોએ તાબડતોબ ખોદકામ કરીને ખાડામાં યુવકને જીવતો બહાર કાઢયો હતો. આ સમયે તે ગંભીર રીતે દાઝી ગયો હોવાનું જણાતા તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયો હતો.ધનબાદ જિલ્લાના કેંદુઆડીહ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બીસીસીએલના આઉટસોર્સિંગ પ્રોજેક્ટનું કામ ચાલી રહ્યું છે.
આ પ્રોજકટ પાસેથી રવિવારે પસાર થતો ઉમેશ પાસવાન નામનો યુવાન જીવતો જમીનમાં સમાઈ ગયો હતો. અચાનક મોટા ધડાકા સાથે તેના પગ નીચેથી જમીન ફાટી જતાં ઉમેશ પાસવાન કંઈ સમજી શક્યો ન હતો. આ ઘટનામાં ઉમેશ જીવતો જ ખાડામાં ઉતરી ગયો હતો. જે બાદ આ ખાડામાંથી ધુમાડો નીકળવા માંડ્યો હતો. આ સમયે સ્થળ પર હાજર અન્ય લોકોએ તે ભયાનક દૃશ્ય જોયું હતુ. જો કે, તે પછી લોકો સ્થળ પર જવાની હિંમત કરી શક્યા ન હતા. દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલા ઉમેશ પાસવાનના ભાઈને આ ઘટનાની જાણ થઈ હતી. તેથી તે ભાઇને બચાવવા તે કંઈ વિચાર્યા વગર જ સ્થળ તરફ દોડી ગયો હતો.
તેણે પોતાના ભાઈને ખાડામાંથી બહાર કાઢવા તરત જ પ્રયત્નો આદર્યા હતા. જે બાદ યુવકને મદદ કરવાની હીંમ્મત આવતા અન્ય લોકો પણ ત્યાં પહોંચી ગયા હતા. સખત મહેનત કર્યા બાદ ખાડામાં પડેલા યુવકને જીવતો જ બહાર કાઢવામાં સફળતા મળી હતી. જો કે, ખાડામાંથી બહાર આવેલો ઉમેશ ગંભીર રીતે દાઝી ગયો હતો. આથી તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયો હતો. ઘટના અંગેની જાણ થતાં જ પોલીસની ટીમે પણ સ્થળ પર પહોંચીને પંચકયાસ કરી કાયદેસરની તપાસ આદરી હતી.