ગુજરાતમાં લગ્નેતક સબંધોનો કિસ્સા વારંવાર પ્રકાશમાં આવતા રહે છે. લગ્ન બાદ પતિ-પત્ની વચ્ચે કોઈને કોઈ બાબતે રહેતો ખટરાગ તેને અન્ય સાથે પ્રેમસંબંધ બાંધવા મજબૂર કરે છે. જો કે, આવા અનૈતિક સંબંધનું પરિણામ દુઃખદાયક આવતું હોય છે. મહેસાણાના નંદાસણમાં મહિલાના એક અફેરની ઘટના બહાર આવી છે. જેમાં મહિલાને તેના પ્રેમી સાથે ઘરમાંથી જ પકડી પડાતા મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો. જયાં બંને પક્ષ વચ્ચે થયેલા વિવાદમાં પરિણીતાને પિયર કે સાસરીયાઓમાંથી કોઈ રાખવા તૈયાર ન થતાં પરિણીતાએ સખી વન સ્ટોપમાં આશરો લેવાનો નિર્ણય કર્યો હતો. મળતી વિગતો મુજબ મહેસાણાના નંદાસણમાં એક મહિલા તેના પરિવારની સાથે રહેતી હતી. લગ્ન જીવનમાં બે સંતાન હોવા છતાં પણ મહિલાને તેના કાકા સસરાના દીકરાની સાથે આંખો મળી ગઈ હતી.
મહિલાના પતિને આ બાબતે શંકા પણ ગઈ હતી, પરંતુ બધુ સમુસુતરુ થઈ જશે તેમ માનીને પતિએ આંખ આડા કાન કર્યે રાખ્યા હતા. દરમિયાન બુધવારે મહિલાનો પતિ નિત્યક્રમ અનુસાર ખેતરે કામ કરવા માટે ગયો હતો. તેથી એકલતાનો લાભ લેવા માટે મહિલાએ તેના પ્રેમીને ઘરે જ તેડાવ્યો હતો. મહિલાએ આ સમયે ચાલાકી વાપરીને પોતાના પતિને ફોન કર્યો હતો કે, તમે ચા પીવા માટે ઘરે ન આવતા. હું વાડીએ ચા લઈને આવીશ. જો કે, પત્નીના આ સંદેશાથી પતિને ફરી શંકા જતાં તેણે વોચ ગોઠવવાનું નક્કી કર્યું હતુ. જે બાદ તે તેના ઘરથી થોડે દૂર એક જગ્યાએ છુપાય ગયો હતો અને તેના ઘર આસપાસ નજર રાખી હતી. દરમિયાન તેના કાકાનો દીકરો ઘરમાં ગયો ગયો હતો. તે પછી પતિએ સંતાઈને ઘરમાં પ્રવેશ કર્યો હતો. જો કે, મહિલાને ઘરમાં કોઈ આવ્યું હોવાનું માલુમ પડી જતાં તેણે તેના પ્રેમીને ગાદલાના કબાટમાં સંતાડી દીધો હતો.
બીજી તરફ પતિએ તેના કાકાના છોકરાને ઘરમાં આવતો પોતાની આંખે જ જોયો હોવાથી તેણે આખા ઘરમાં શોધખોળ કરી હતી. જો કે, તેના કાકાનો છોકરો કયાંય મળ્યો ન હતો. આખરે પતિએ કબાટ ચેક કરતા તેની પત્નીનો પ્રેમી એવો તેના કાકાનો દિકરો પત્ની સાથે મળી આવ્યો હતો. ત્યારબાદ પરિણીતા બદનામ થવાને ડરથી પ્રેમી સાથે ઘરેથી ચાલી નીકળી ગઈ હતી. જો કે, તે પછી મહિલા અને પ્રેમી અંબાજી મંદિર પાસે વિખુટા પડ્યા હતા. આખરે મૂંઝવણમાં મુકાયેલી મહિલાએ તેના કાકાને ફોન કરીને તેમના ઘરે લઇ જવા કહ્યું હતુ. જો કે, કાકા તેને લેવા માટે આવ્યા નહોતા. આખરે મહિલા નંદાસણ પોલીસ સ્ટેશને પહોંચી જતાં પોલીસે સાસરિયા અને પિયરિયાને પોલીસ મથકે બોલાવ્યા હતા. જો કે, મહિલાને આશરો આપવા કોઈ રાજી ન થતાં તેને સખી વનસ્ટોપ સેન્ટરમાં મોકલી અપાઈ હતી. ઘટના બાદ પસ્તાયેલી પરિણીતાએ રટણ કર્યું હતું કે, મારા પતિને સમજાવો. મારે બે સંતાનો માટે ઘરે જવું છે. હું સાસરીયામાં રહેવા માગું છુ. જો કે, હાલ સાસરિયાઓ ભારે મકક્મ છે, જો આગામી દિવસોમાં મહિલાના પરિવારના સભ્યો દ્વારા તેને નહીં સ્વીકારાય તો તેને નારીગૃહમાં મોકલી દેવાશે.