દ.ગુજરાતના નવસારી જિલ્લામાં કોરોના ત્રીજી લહેરમાં મૃત્યુઆંક ઓછો હોવાથી તંત્રને મોટી રાહત થઇ રહી છે. બીજી લહેરની સરખામણીએ કોરોના ખૂબ ઓછો જીવલેણ બન્યો છે. જાન્યુઆરી મહિનાની વાત કરવામાં આવે તો દર 439 પોઝિટિવ દર્દીએ હાલ માત્ર 1 જ દર્દીનું મૃત્યુ થયું છે. અગાઉ કોરોનાની પહેલી અને બીજી લહેરમાં કોરોનાવાયરસ વધુ જીવલેણ હોવાનું સામે આવ્યું હતું. એક સમયે તો એવો પણ આવ્યો જ્યારે મૃત્યુદર 4 ટકાથી લઈ 9 ટકા થઇ ગયો હતો, જો કે હાલની ત્રીજી લહેરમાં કોરોના ઓછો જીવલેણ સાબિત થઇ રહ્યો છે. ત્રીજી લહેર જાન્યુઆરી મહીનામાં આવી હતી. આ મહિના દરમિયાન જિલ્લામાં કોરોનાના 3949 પોઝિટિવ કેસો નોંધાયા છે. સરેરાશ રોજ 133 જેટલા કેસ નવસારી જિલ્લામાં નોંધાયા છે.
હવે કેસોમાં રોજ વધારો-ઘટાડો જોવા મળી રહ્યા છે. એક દિવસ તો 300 કેસ પણ નોંધાયા છે. કેસોના પ્રમાણમાં જાન્યુઆરીમાં કોરોનામાં મૃત્યુ ઓછા થયા છે. નવસારી જિલ્લામાં સમગ્ર જાન્યુઆરીમાં માત્ર 9 મૃત્યુ થયા છે. મૃત્યુદર માત્ર 0.20 ટકા જ રહ્યો છે. દર 439 પોઝિટિવ કેસ સામે હાલ 1 જ દર્દીનું મૃત્યુ થયું છે. આમ ત્રીજી લહેર દરમિયાન કોરોના ખૂબ જ ઓછો જીવલેણ બન્યો છે એમ કહી શકાય.
અગાઉ કોરોનાની લહેરમાં 50 વર્ષ નીચેની વયના અને કોમોર્બીડીટી નહિ ધરાવનારા દર્દીઓ પણ મૃત્યુ પામ્યા હતા. જોકે હાલ જે 9 મૃત્યુ નોંધાયા છે તે તમામમાં કોમોર્બીડીટી હોવા ઉપરાંત તમામની વય 52 વર્ષથી વધુ હોવાનું પણ સામે આવ્યું છે. 9 પૈકી 5 જણા તો 60 વર્ષથી વધુ વયના સિનિયર સિટીઝન હોવાનું સામે આવ્યું છે.