ગુજરાતના આદિવાસી વિસ્તારો, બિહાર ઉપરાંત યુપીના અનેક વિસ્તારોમાં માનસિક રુઢીચૂસ્તતાને કારણે અજુગતી ઘટના ઘટે છે. પ્રેમ, ચોરી જેવા કિસ્સામાં આ રાજ્યોમાં લોકો પોતે જ ફેસલો કરીને સજા પણ કરી નાંખે છે. હાલમાં ઉત્તર ગુજરાતમાં યુવક યુવતીના પ્રેમની તાલીબાની સજા તેમના માતાને આપવામાં આવી હતી. આ ઘટનામાં એક યુવકે પ્રેમ લગ્ન કર્યા હોવાથી તેની સજા યુવકની માતાને આપવામાં આવી હતી. પ્રેમસંબંધની જાણ થતાં જ યુવતીના પરિવારના લોકોએ યુવકની મહિલાને ઢોર માર મારી તેની અમાનવીય કૃત્ય કર્યું હતું. વાત એટલે સુધી પહોંચી કે યુવતી પક્ષના પુરુષોએ તે યુવકની માતા સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યા બાદ તેને યુરીન પીવડાવ્યો હતો.
ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને પોલીસે મહિલાની ફરિયાદ નોંધીને આરોપીને જેલભેગા કરી દીધા હતા. ઉત્તર ગુજરાતમાં બનેલી આ ઘટના છોટા ઉદેપુર નજીક આવેલા પાલસંડા ગામની છે. પાલસંડામાં રહેતા એક યુવકે તેના જ ગામની યુવતી સાથે પ્રેમલગ્ન કરી લેતાં ભડકો થયો હતો. આ બાબતે યુવતી પક્ષના સભ્યો ખૂબ જ ગુસ્સે ભરાયા હતા. જે બાદ તેઓએ સમગ્ર બાબતનો રોષ યુવકની માતાને તાલીબાની સજા આપીને ઠાલવ્યો હતો.
મળતી વિગતો મુજબ યુવકે તે યુવતી સાથે લગ્ન કરી લીધા છે તેવી જાણ થતાં યુવતીના સગાસંબંધીઓ એકત્ર થઈને યુવકને ઘરે પહોંચ્યા હતા અને યુવકની માતાને ઢોર માર માર્યો હતો. યુવતીના સગાસંબંધીઓ આટલેથી અટક્યા ન હતા તેઓએ મહિલા સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યા બાદ તેને જબરદસ્તીથી પૈશાબ પીવા મજબૂર કરી હતી. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પોલીસને જાણ થઈ હતી. પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે, આ વીડિયો ઉત્તર ગુજરાતના પાલસંડા ગામનો હોવાની પુષ્ટિ થતાં પોલીસે સમગ્ર મામલે તપાસ કરીને આરોપીઓની સામે ગુનો નોંધી તેમની ધરપકડ કરી હતી. પોલીસે ઘટના સ્થળ પર પહોંચીને ભોગ બનનાર મહિલાને પણ શોધી કાઢી હતી. જે બાદ ગામના જ 8 લોકોને પકડીને જેલભેગા કરી દીધા હતા. આરોપી સામે થયેલી ફરિયાદમાં મહિલાએ જણાવ્યું હતુ કે, પુત્રએ જે યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા છે તે યુવતીના સંબંધીઓ દ્વારા તેને ઢોર માર મારીને તેની સાથે અમાનવીય કૃત્ય કરાયું છે. દીકરાએ કરેલા કૃત્ય માટે માતાને સજા આપવામાં આવી છે. હાલ પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.