21મી સદીના દુનિયાનું પ્રયાણ અને અત્યાધુનિક સંશાધનો વચ્ચે પણ અંધશ્રદ્ધાનો દોર કાયમ રહ્યો છે. માત્ર ભારત જ નહીં પરંતુ દુનિયાના અનેક દેશમાંથી જુદી જુદી રીતે અને જુદાં જુદા સમયે અંધશ્રદ્ધાના કિસ્સા જાણવા મળે છે. આજે પણ વિશ્વના કેટલાક ભાગોમાં ‘આદમખોર’ છે. વળી, નરભક્ષીઓને તે દેશમાં ખરાબ નજરે પણ જોવાતા નથી અને તેને એકપ્રથાનો જ ભાગ ગણવામાં આવે છે. આવી વિચિત્ર પંરપરા ધરાવતા દેશનું નામ પાપુઆ ન્યુ ગિની છે. ઇન્ડોનેશિયા નજીક પેસિફિક મહાસાગર ક્ષેત્રમાં આ સ્વતંત્ર રાષ્ટ્ર આવેલું છે. જયાં કોરોવાઈ નામની એક આદિજાતિના હજારો લોકો નદી કાંઠે વસવાટ કરે છે. આ પ્રજાની દ્રઢ માન્યતા કહો કે અંધશ્રદ્ધા પરંતુ તેઓ માને છે કે, ચૂડેલ તેમના જૂથના સભ્યોની હત્યા કરે છે. આથી મૃત્યુનો બદલો લેવા માટે તેઓની લાશ ખાવી તે તેમની ફરજ છે.
આ ઉપરાંત અન્ય એક વિસ્તાર ફીજી પણ નરભક્ષણના ઇતિહાસ માટે જાણીતો છે. આ દ્વીપ ઉપર નાઇહે ગુફાઓમાં માનવ માંસ ખાનારાઓનું મોટુ જૂથ રહેતું હતુ. જો કે, વિતેલા કેટલાક વર્ષોથી અહિં આ પ્રથા બંધ થઈ છે. આપણને જાણીને નવાઈ લાગે પણ સૌપ્રથમ લાઇબેરિયન સિવિલ વોર પછી ડોકટર્સ વિદાઉટ હોડર્સને નરભક્ષી પ્રથાના પુરાવા મળ્યા હતા. તેમણે આ પુરાવા એમ્નેસ્ટી ઇન્ટરનેશનલને મોકલ્યા હતા. આ સમયે તપાસને કોરાણે મુકીને લાઇબેરિયાના હાલના મહાસચિવએ નફ્ફટાઈપૂર્વક અને બેદરકારીભર્યો જવાબ આપતા કહ્યું હતુ કે, માનવાધિકારના ઉલ્લંઘન પછી તેઓ લાશનું શું કરે છે તે અમારી ચિંતાનો વિષય નથી. નરભક્ષી દ્વેષપૂર્ણ અપરાધ હોવા છતાં વિશ્વના અનેક વિસ્તારમાં આજે પણ તેના કિસ્સા બની રહ્યા છે. વળી આ વિસ્તારોમાં આજે પણ માનવ માંસ ખાવું એ પરંપરા અને સંસ્કૃતિનો એક ભાગ ગણવામાં આવે છે. 2003માં સંયુક્ત રાષ્ટ્રની બેઠકમાં મબૂટી પિગ્મિઝના પ્રતિનિધિ સીનાફસી માકેલોએ આ વિશે ફોડ પાડ્યો હતો. તેમણે કહ્યું હતુ કે, ઇટુરી પ્રાંતમાં કોંગોના બળવાખોરો જીવતા લોકોને જ ખાવા માંડ્યા છે. જયારે 2011માં જર્મન પ્રવાસી સ્ટેફન રેમિન ફ્રેન્ચ પોલિનેશિયાના નુકુ હિવામાં બકરીના શિકાર દરમિયાન ગુમ થઈ ગયો હતો. ત્યારબાદ તેના શરીરના અવશેષો કેમ્પફાયર નજીકથી મળી આવ્યા હતા. આ કિસ્સામાં પણ સ્ટેફન રેમિન ફ્રેન્ચની લાશના ટુકડા કરી સળગાવીને ભક્ષણ કરવામાં આવ્યું હોવાની આશંકા સેવાઈ રહી છે.