ભારતમાં નોટબંધી બાદ 500 અને 2000ની નોટ ચલણમાં આવી છે. જો કે, આ નોટના રંગ, દેખાવ અને મજબૂતાઈ વિશે શંકાઓ ઉઠતી રહી છે. હવે આવા સમયે સરકાર 100ની નવી નોટ બજારમાં મુકવાની તૈયારી કરી રહી છે. ભારતીય રિઝર્વ બેંકે આ માટે મંજૂરી સહિતના પ્રક્રિયા પૂર્ણ કરી લીધી છે. વાર્ષિક અહેવાલમાં 100ની નવી નોટો ઉપરાંત આરબીઆઈએ ઘણી મહત્વપૂર્ણ માહિતી આપી છે.
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના સુત્રોના જણાવ્યા મૂજબ 100ની નવી નોટ ચમકદાર હશે. આ ઉપરાંત તે ખૂબ ટકાઉ પણ હશે. આ નોટની ડિઝાઈન પણ ખાસ હશે, જેના કારણે દૃષ્ટિહીન લોકો પણ તેને સરળતાથી ઓળખી શકશે. નોટોની ગુણવત્તામાં સુધારો કરવા આરબીઆઈએ મુંબઇમાં બેંક નોટ ક્વોલિટી એસ્યોરેન્સ બેલોરેટરીની સ્થાપના પણ કરી છે. RBIના વાર્ષિક અહેવાલમાં ઉલ્લેખ કરાયો છે કે, હવે પછી આરબીઆઈ દ્વારા જે નવી નોટ બજારમાં મુકાશે તે વાર્નિશ પેઈન્ટ થઈ જશે. જેને કારણે નવી નોટ જલ્દી ફાટશે નહીં કે પાણીમાં પલળશે પણ નહીં. અત્યાર સુધી ચલણી નોટને સાચવવા કાળજી રાખવામાં આવતી હતી.
પરંતુ હવે તેની આવશ્યકતા ઓછી રહેશે. રિઝર્વ બેંકને દર વર્ષે લાખો કરોડો ગંદી અને ફાટેલી નોટોને બદલવી પડે છે. વાર્નિશવાળી આ નોટ પહેલા ટ્રાય માટે બહાર પડાશે. જે બાદ તેના પરિણામોને આધારે માર્કેટમાં કેટલો જથ્થો મુકવો તેનો નિર્ણય કરાશે. કહેવાય છે કે, ભારતમાં નકલી નોટોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. છેલ્લાં બે વર્ષમાં બજારમાંથી 10ની 20.2% નકલી નોટ, 20ની 87.2% નકલી નોટો અને 50ની 57.3% નકલી નોટો પકડવામાં આવી છે. 500 અને 2,000ની પણ નકલી નોટો ઝડપાઇ છે. તેથી આરબીઆઈ હવે પછી બહાર પડાતી નોટ બાબતે પૂરતી કાળજી રાખવા માંગે છે.