રાજકોટમાં કૌટુંબિક બનેવીએ સાળાને મોતને ઘાટ ઉતારી દીધાની ઘટનાથી સનસની મચી ગઈ છે. જુવાન દિકરીઓ ઘરમાં એકલી હોય ત્યારે જ કૌટુંબિક સાળો ઘરે આવતો હોવાથી રોષે ભરાયેલી બનેવીએ તેને પતાવી નાંખ્યો હોવાનું પ્રાથમિક તારણ છે. ઘટનાને પગલે પોલીસે હરકતમાં આવી આરોપીને ઝડપી લીધો હતો. રાજકોટમાં મોરબી રોડ પર આવેલી જય જવાન જય કિસાન સોસાયટી નજીક 25 વારીયા ક્વાર્ટર્સ આવેલા છે. જયાં ગુરૂવારે સાંજે હત્યાની ઘટના ઘટી હતી. જેમાં ભાવેશ ચણીયારા નામના યુવકને તેના કૌટુંબિક બનેવી મહેશ સદાદિયાએ ચપ્પુના ઘા ઝીકી પતાવી દીધો હતો. રાજકોટમાં બનેલી આ ઘટનામાં આરોપી કૌટુંબિક બનેવી છે. જયારે મૃતક તેનો કૌટુંબિક સાળો છે. બનેવીએ સાળાને છરીનાં 3થી4 ઘા મારી જીવલેણ ઈજા પહોંચાડી હતી. આ વેળા ગંભીર ઈજા પામેલા ભાવેશ ચલીયાણાનું મોત નિપજ્યું હતુ. ઘટનાની જાણ થતાં જ પોલીસ તરત જ હરકતમાં આવી હતી. પોલીસે આ ઘટનામાં સામેલ મહેશ મનસુખ સદાદીયાને ઝડપી જેલભેગો કરી દીધો હતો.
પોલીસની પ્રાથમિક તપાસમાં આ હત્યા મહેશે જ કરી હોવાના પુરાવા મળ્યા છે. આ સાથે જ આરોપીની પુછપરછ થતાં તેણે કબૂલ્યુ હતુ કે, ઘરમાં જુવાન દિકરીઓ હોવાથી મેં ભાવેશને ઘણીવાર ઘરે વારંવાર ન આવવા ટકોર કરી હતી. જો કે, આમ છતાં ભાવેશ તે ટકોરને અવગણી રહ્યો હતો. તેથી જ એક દિવસ મેં તેને મોતને ઘાટ ઉતારવાનું નક્કી કર્યું હતુ. આરોપીએ પોલીસ સમક્ષ પોતે જ ભાવેશની હત્યા કર્યાનું સ્વીકાર્યું છે. પોલીસે આ ઘટના બાદ જણાવ્યું હતુ કે, મહેશે પોલીસ સમક્ષ પોતાનાં ગુનો સ્વીકારતા જણાવ્યું હતું કે, ઘરમાં જુવાન દિકરીઓ હોવાને લઇ ભાવેશને ઘરે આવવા ઘણીવાર ના પાડી હતી. તેમ છતાં તે માનતો નહોતો. મારી ગેરહાજરીમાં તે વારંવાર ઘરે આવતો રહેતો હતો. ગુરુવારે બપોરે હું પોતે કામ પરથી ઘરે વહેલો આવી ગયો હતો. આ સમયે ભાવેશ ઘરમાં જ હાજર હતો. આથી મેં તેને ફરીવાર ન આવવા સમજાવ્યો હતો. પણ તે શરમ અનુભવવાને બદલે ઉશ્કેરાયો હતો. તેથી મેં પોતે ઘરમાં રહેલી છરીનાં ત્રણ-ચાર ઘા તેને ઝીંકી દેતા તે લોહીલુહાણ થઈ ગયો હતો. ભાવેશ લોહીલુહાણ થતા પાડોશીની રિક્ષામાં હોસ્પિટલ પહોંચાડવા કવાયત કરી હતી. કોઈ ખાનગી હોસ્પિટલે તેને સારવાર ન આપતા અંતે સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જો કે, સારવારમાં વિલંબ થતાં ખૂબ લોહી વહી ગયું હતુ. તેથી ભાવેશનું પ્રાણ પંખેરૂ ઉડી ગયું હતું. ડોક્ટરોએ તેને મૃત જાહેર કરતા હું (મહેશ) ગભરાઈને નાસી છૂટયો હતો.