આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ હિંમતનગર ખાતે આવી પહોંચ્યા હતા. અરવિંદ કેજરીવાલની સાથે મનીષ સીસોદીયા, ઇન્દ્રનીલ રાજ્યગુરૂ, ગોપાલ ઇટલીયા, ઈશુદાન ગઢવી સહિતના આપના હોદ્દેદારો ટાઉનહોલ ખાતે પહોંચ્યા હતા. સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગરમાં આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં પહોંચતાની સાથે જ ટાઉનહોલની બહાર અરવિંદ કેજરીવાલ અને મનીષ સીસોદીયાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.3 મહિનામાં જ વીજળીના બિલ ઝીરો કરી દઈશું- કેજરીવાલ
આ પ્રસંગે અરવિંદ કેજરીવાલે સભાને સંબોધતાં જણાવ્યું હતું કે ગજબનો ઉત્સાહ છે તમારા લોકોમાં. લોકોને જોઈને એવું લાગી રહ્યું છે કે, ગુજરાત હવે બદલાવ માંગે છે. આ ધર્મ યુદ્ધ છે. આજે આ લોકો પાસે મોટી સેના છે તો અમારી પાસે ભગવાન છે. આજે અમારી પાસે જનતાનો સાથ છે. આજે અમે દિલ્હીમાં જે કામ કર્યુ છે તે 75 વર્ષમાં નથી થયું. ગુજરાતમાં દિલ્હી જેવા સરકારી હોસ્પિટલ-સ્કૂલ જોઈએ છે ને? તમારે ગુજરાતમાં વીજળીના બિલ ઝીરો જોઈએ છે કે નહીં? અમારી સરકાર બનશે તો 3 મહિનામાં જ વીજળીના બિલ ઝીરો કરી દઈશુંપેપર ફોડવાવાળાઓને જેલ ભેગા કરીશું – કેજરીવાલ
અરવિંદ કેજરીવાલે 10 લાખ સરકારી નોકરી આપવાનો વાયદો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે પેપર ફૂટવાની ઘટનાઓ બાબતે નવા કાયદા કાનૂન લાવીશું. પેપર ફોડવાવાળાઓને જેલ ભેગા કરીશું. 18 વર્ષથી ઉપરની મહિલાના એકાઉન્ટમાં દર મહિને 1 હજાર રૂપિયા જમા કરીશું. તમારા બાળકોને સારું શિક્ષણ આપવાની જવાબદારી અમારી છે.તમે મને વોટ આપો હું તમને ફ્રી વીજળી આપીશ
તેમણે સ્વાસ્થ્ય અંગે વાતચીત કરતાં જણાવ્યું હતું કે તેમની સરકાર આવશે તો બધાને મફત ઈલાજ-સારો ઈલાજ આપવાની જવાબદારી એમની સરકારની છે. તમામ લોકોને બધી દવાઓ-ટેસ્ટ અને ઓપરેશન ફ્રી કરવામાં આવશે. તમે મને વોટ આપો હું તમને ફ્રી વીજળી આપીશ, તમે મને વોટ આપો હું તમને મફત ઈલાજ આપીશ.એક જ વર્ષમાં 1 લાખ શિક્ષકોની ભરતી કરીશું – મનીષ સિસોદિયા
આ પ્રસંગે દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ જણાવ્યું હતું કે વાત માત્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકારની નથી, વાત એ છે કે ગુજરાતનો દરેક વાલી ઈચ્છે કે અમને પણ અમારા બાળકો માટે શાનદાર શિક્ષણ જોઈએ છે. આજે દિલ્હીની સરકારી શાળાઓ પ્રાઈવેટ શાળાઓને ટક્કર આપી રહી છે અને એટલે જ 4 લાખથી વધુ બાળકો પ્રાઈવેટ સ્કૂલ છોડીને સરકારી શાળામાં આવ્યાં છે. ગુજરાતમાં અમારી સરકાર લાવો, એક જ વર્ષમાં 1 લાખ શિક્ષકોની ભરતી કરીશું. વિદ્યા સહાયકોની તમામ સમસ્યાઓનો પણ ઉકેલ લાવીશું. અરવિંદ કેજરીવાલ સતત ગુજરાતના પ્રવાસે
વિધાનસભા ચુંટણીઓના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે આમ આદમી પાર્ટીના સંયોજક વારંવાર ગુજરાત આવી રહ્યા છે, અને રાજ્યની પ્રજાને ગેરંટીઓ આપી રહ્યા છે. ત્યારે આજે હિંમતનગરમાં આમ આદમી પાર્ટીની જાહેરસભા ડૉ નલીનકાંત ગાંધી ટાઉન હોલમાં યોજાઈ હતી. જ્યાં ઠેર-ઠેર રોડ પર વાવટા લગાવવામાં આવ્યા હતા. તો ટાઉન હોલ પણ બેનરોથી ઢંકાઈ ગયો હતો.