દેશમાં સુપ્રસિધ્ધ યાત્રધામ શામળાજી ખાતે આવેલા મંદિરે ગદાધર ભગવાન વિષ્ણુના દર્શન માટે પ્રતિદિન મોટી સંખ્યામાં લોકો આવે છે. મંદિરમાં બિરાજતા ભગવાન શામળીયાજીની ભક્તો દ્વારા પૂજા અર્ચના કરીને મંદિરને દાન પણ આપવામાં આવે છે. હાલમાં શ્રી ગડાધર ભગવાન વિષ્ણુ એવા શામળીયાજીના એક ભક્ત દ્વારા પ્રભુ ચાંદીના વાસણોમાં જ રોજે રાજભોગ આરોગે તેવી ભાવના સાથે આશરે ૬.૫૦ કીલો ચાંદીના જુદાં જુદાં વાસણો ભગવાનને અર્પણ કરાયા છે. આ વાસણોની બજાર કિંમત રૂપિયા ૫.૬૨ લાખ થાય છે. આ વાસણોનું દાન કરનાર ભક્તે તેનું નામ ગુપ્ત રાખવાની શરત મંદિરના ટ્રસ્ટીઓ સાથે મુકી હતી એટલે તેનું નામ હજી સુધી જાહેર થયું નથી.
આ અગાઉ પણ એક ભક્ત દ્વારા શામળીયાજીની શોભામાં અભિવૃદ્ધિ થાય તે માટે ચાંદીનો મુગટ દાનમાં આપવામાં આવ્યો હતો. મંદિરો ખુલતા જ મંદિરોમાં ભક્તોની ભીડ ઉમટી રહી છે અને એક અઠવાડીયામાં જ શામળાજી મંદિર ખાતે ૮.૯૮ લાખના ૧૦ કીલોથી વધુ ચાંદી અથવા તો તેમાંથી બનેલા વાસણો દાન તરીકે આવ્યા છે. કોરોનાની મહામારીને કારણે દેશના લાખો લોકોને શામળજી પર જ ભરોસો હતો. તેથી અનેક લોકોએ માનતા ટેક લીધી હતી હવે મંદિરના કપાટ ખૂલતા જ લોકોની ઈચ્છા વહેલામાં વહેલી તકે શામળીયાજીના દર્શન કરવાની રહી છે. રાજયભરમાં મંદિરોમાં ભક્તોની ભીડ ઉમટી રહી છે. ભગવાન શામળીયાજીના દર્શન કરવા આવેલા એક ભક્તે પ્રભુ હવે રાજભોગ ચાંદીના વાસણમાં જમે તેવા ભાવથી રૂપિયા ૫.૬૨ લાખની કિંમતના ચાંદીના વાસણોનું દાન કર્યું હતું. ટ્રસ્ટીઓએ આ વિશે કહ્યું હતુ કે, ભક્તની ઈચ્છા તેનું નામ જાહેર કરવાની ન હતી એટલે તે વિશે કહી શકાય તેમ નથી. પરંતુ હવે અમે ભક્તની ઈચ્છા અનુસાર તેણે આપેલા વાસણોમાં ભગવાનને દરરોજ રાજભોગ ધરીશું.