14 મહિનાથી ભારત સહિત સમગ્ર દુનિયામાં આતંક મચાવી રહેલા કોરોના વાયરસથી સૌકોઈ પરેશાન છે. જો કે, અત્યાર સુધી દુનિયામાં કરોડો લોકો આ વાયરસથી સંક્રમિત થયા બાદ સાજા થયા છે. સુરતમાં એક 82 વર્ષના વૃદ્ધા કોરોનાથી બે વખત સંક્રમિત થઈને સાજા થયા છે. આ દાદીમાં એવા દર્દી અને લોકો માટે પ્રેરણારુપ છે જે લોકો કોરોના થતાં જ ગભરાય જાય છે અને અન્ય બિમારીનો કે સમસ્યાનો ભોગ બની જાય છે. સુરતના વરાછા વિસ્તારમાં આવેલી શિવધારા સોસાયટીમાં રહેતા 82 વર્ષના વૃદ્ધા રાધાબેન ગગજીભાઇ ભિકડિયાને ગત માર્ચ મહિનામાં કોરોના થયો હતો. આ સમયે તેમણે ઘરે જ રહી સારવાર કરીને કોરોનાને માત આપી હતી.
ત્યારબાદ ફરી તેમને કોરોના વાયરસનું સંક્રમણ ફરી લાગી ગયું હતુ. જો કે, આમ છતાં તેઓ જરાય હિંમ્મત હાર્યા ન હતા. તેમણે પોતાના દ્રઢ આત્મવિશ્વાસની તાકાતથી કોરોનાને હરાવી ફરીને સ્વસ્થ થઇ ગયા હતા. 82 વર્ષે પણ નિયમિત આહાર અને વધતી ઉંમરે પણ ચાલવા જવાની આદતને કારણે વૃદ્ધા તંદુરસ્ત રહ્યા છે. તેઓ મૂળ પાલિતાણા તાલુકાના સગાપરા ગામના વતની છે. હાલમાં પોતાના પૌત્રો સાથે વરાછા વિસ્તારની શિવધારા સોસાયટીમાં તેઓ રહે છે. સૌપ્રથમ વખત તા. 24મી માર્ચે તેમને તાવ, શરદી ખાંસીની સમસ્યા થઈ હતી.
તેથી તેમને શરીરમાં અશક્તિ આવી ગઇ હતી. આ સમયે રાધાબેનનો સીટી સ્કેન સહિતના રિપોર્ટ કરાવવામાં આવતા કોરોના હોવાની પૃષ્ટિ થઈ હતી. જેમાં કોરોનાથી ફેફસામાં 15 ટકા અસર થઇ ચૂકી હતી. જોકે, રાધાબેને હોસ્પિટલની દવા સાથે ઘરમાં જ સારવાર લેવાનું નક્કી કર્યું હતું. ઓક્સિજન સપ્લાય સાથે પૌષ્ટિક આહાર અને દવાના સેવન થકી રાધાબેને 18 દિવસમાં સ્વસ્થ થઇ ગયા હતા. ત્યારબાદ ફરી તા.17મી એપ્રિલે રાધાબેનને શરીરમાં કોન્ટિપેશન અને ન્યુમોનિયાની અસર જણાતા તબીબે કોરોનાના માઇલ્ડ લક્ષણ કહ્યા હતા. રાધાબેનને પૌત્રોએ ફરી તેમને ઘરે જ રાખી નિયમિત દવા, શ્વાસોશ્વાસની પ્રક્રિયા પર સતત દેખરેખ રાખી હતી. આખરે શુક્રવારે રાધાબેન સ્વસ્થ્ય થયા હતા. રાધાબેને યુવાની કાળ દરમિયાન ગામડામાં ખેતીકામ કર્યું હતુ.