સુરતના લિંબાયતમાં ચોરીની એક ઘટનામાં કિંમતી સરસામાન, નાણા કે ઘરેણાને બદલે કાજુ બદામની ચોરી થઈ હતી. આ ઘટનાથી શહેરીજનોમાં આશ્ચર્ય સાથે રમૂજ પણ ફેલાઈ રહ્યું છે.
મળતી વિગતો મુજબ સુરતના પરપ્રાંતીય વિસ્તાર એવા લિંબાયતમાં રહેતો એક પરિવાર પુત્રના લગ્નપ્રસંગમાં ચાણસ્મા ગયો હતો. જેથી લિંબાયતમાં આવેલું મકાન તે પરિવારે બંધ કરી દીધું હતુ. આ બંધ મકાનમાં ત્રાટકેલા તસ્કરો 100 કિલો કાજુ અને 10 કિલો બદામ સહિતની સામગ્રી ચોરી છૂમંતર થઇ ગયા હતા. લિંબાયતમાં જીવનધારા મેડિકલની સામે કેશવનગરમાં આ ઘટના બની હતી. અહીં રહેતા જ્યોત્સનાબેન જયંતીભાઇ (ઉ.વ.42, મુળ ચાણસ્મા, મહેસાણા) કાજુ, બદામ તથા મરચાંનું છૂટક વેચાણ કરે છે. ગત તા.7-12-20ના રોજ દીકરા વિનોદના લગ્ન હોનાથી જ્યોત્સાનબેન પરિવાર સાથે પાંચમી ડિસેમ્બરે પોતાના વતન ચાણસ્મા ગયા હતા. જયાં તેમણે પોતાના પુત્ર વિનોદના લગ્ન ખૂબ જ ઉત્સાહ સાથે સબંધીઓની હાજરીમાં કરાવ્યા હતા. વતનમાં લગ્નપ્રસંગને આટોપીને જયોત્સના બેન ગત તા. 2ના રોજ ઘરે પરત ફર્યા હતા. લિંબાયત પહોંચેલા જ્યોત્સનાબેન જેવા ઘરે પહોંચ્યા તો તેમણે ઘરનો સામાન વેરવિખેર હાલતમાં જોયો હતો. તેમણે પહેલા રૂમમાં મૂકેલા પ્લાસ્ટિકના થેલામાંથી 100 કિલો કાજુ અને 10 કિલો બદામ તથા 32 ઇંચનું ટીવી તથા હોમ થિએટર ગાયબ હતા. જે બાદ તેમણે ઘરમાં તપાસ કરી, આસપાસની જગ્યામાં શોધખોળ આદરી પરંતુ કશુ મળ્યું ન હતુ. આખરે તેમને પોતાના ઘરમાં ચોરી થઈ ગયાનું સમજાયું હતુ. ઘટનામાં રૂપિયા 22 હજારની મતા ચોરાઇ હતી. તસ્કરો રાત્રિ દરમિયાન તેમના ઘરમાં ઘૂસી સુકોમેવો સહિતની સામગ્રી ઉઠાવી ગયા હોય, જ્યોત્સનાબેને લિંબાયત પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે અજાણ્યાઓ સામે ઘરફોડ ચોરીનો ગુનો નોંધી કાર્યવાહી શરૃ કરી છે. ચોરીની આ ઘટનામાં કાજુ બદામ ગાયબ થવાની વાતને લઈને રમૂજ પણ ફેલાઈ રહી છે.