આમ આદમી પાર્ટીના કોર્પોરેટરે સુરત મહાનગરપાલિકામાં પ્રજાનો અવાજ ઉઠાવવાની શરૂઆત આજે સવારે કાપોદ્રા વિસ્તારમાં કરી દીધી હતી. વોર્ડ નંબર 4ના આમ આદમી પાર્ટીના કોર્પોરેટર ધર્મેન્દ્ર વાવલિયાએ ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન કરતી ગાડીને રોકી હતી. ગાડી સાથેના અધિકારીને ખખડાવી નાંખ્યા હતા. આપના કોર્પોરેટર ધર્મેન્દ્રે આજે સવારે તેમના મત વિસ્તારમાં પ્રજાના પ્રશ્નોને સાંભળવા માટે નીકળ્યા ત્યારે રસ્તા પર કચરાના ઢગ દેખાતા ગાર્બેજ કલેકશન કરતી ગાડીને રોકી સાથેના અધિકારી સાથે વાત કરીને ઉપરી અધિકારીને ફોન કર્યો હતો. ફોન ઉપર સ્પષ્ટ શબ્દોમાં નિયમિત કચરો ઉપાડવા માટે ગાડી સમયસર મોકલવા અને ગાડી સમયસર નહીં આવે તો તમારી સામે ફરિયાદ કરી દેશે એમ જણાવ્યું હતું.
આમ આદમી પાર્ટીના કોર્પોરેટરને દુકાન ધારકો સાથે વાત કરતાં તેમને જણાયું હતું કે ગાર્બેજ કલેકશન કરવા આવતી કચરાની ગાડી દુકાનદારો પાસેથી દર મહિને રૂપિયા 500 રૂપિયા રોકડા લે છે. જો પૈસા ન આપનારની દુકાનનો કચરો લઈ જતા નથી. જ્યારે અમે તેમને કહીએ છીએ કે અમારી પાસેથી શા માટે 500 રૂપિયા લો છો? ત્યારે ગાર્બેજ કલેકશન કરવા આવેલી ગાડી સાથેના અધિકારી કહે છે કે અમે ફક્ત ડોર-ટુ-ડોર સોસાયટીઓના કચરા જ લઈ જઈએ છીએ. દુકાનનો કચરો લઈ જવો અમારી ફરજનો ભાગ નથી. કોર્પોરેશનના કોઇપણ અધિકારીને એક પણ રૂપિયો નહી આપવા સૂચન કરતા આપના કોર્પોરેટર ધર્મેન્દ્ર વાવલિયાએ દુકાનદારોને કહ્યું કે, આજથી કોર્પોરેશનના કોઇપણ અધિકારીને એક પણ રૂપિયો આપવાનો નથી અને જો તેઓ તમારી પાસે રૂપિયાની માંગણી કરે તો તમારે સ્પષ્ટ વાત કરવાની કે અમારા વિસ્તારના કોર્પોરેટરોએ તમને રૂપિયા આપવાનો સ્પષ્ટ ઈન્કાર કર્યો છે.