ગુજરાતમાં વ્યાજંકવાદની સમસ્યા છેલ્લાં ઘણાં સમયથી ચિંતાજનક રીતે વધી રહી છે. નાના નગરોથી માંડીને મોટા શહેરો સુધી વ્યાજમાફિયાઓ સક્રિય છે. વેપાર ધંધામાં નાણાની પ્રવાહી સ્થિતિને ચાલુ રાખવા માટે સરળતાથી નાણા ઉપલબ્ધ કરતા વ્યાજખોરો વસુલાત સમયે કોઈપણ હદે જતા હોવાના કિસ્સા બહાર આવી રહ્યા છે. હાલમાં સુરતમાં બનેલી એક ઘટનામાં એક યુવક વ્યાજે પૈસા લઇને છૂમંતર થઈ ગયો હતો. જે બાદ વ્યાજખોરોએ યુવકની શોધખોળ શરૃ કરી દીધી હતી, જો કે, યુવકનો પત્તો ઘણાં દિવસોથી ન લાગતા અકળાયેલા વ્યાજખોરોએ તે યુવકના પિતાનું જ અપહરણ કર્યું હતું. જે બાદ યુવકના પિતાને ઢોર માર મારવામાં આવ્યો હતો. અમરોલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદમા જણાવ્યા મુજબ સુરતના વરાછા વિસ્તારમાં આવેલા શાલીગ્રામ એપાર્ટમેન્ટમાં હરજી બોરડ નામનો યુવક તેના પરિવાર સાથે રહે છે. અમરોલી વિસ્તારમાં આવેલી અંજલી આસ્થા કંપનીમાં હરજી બોરડ વોચમેન તરીકે કામ કરે છે અને પરિવારનું ગુજરાન ચલાવે છે. હરજી બોરડના પુત્રનું નામ કીર્તિ છે. આ જ કિર્તી તેના પિતા હરજી માટે આજે મુશ્કેલીનું કારણ બની ગયો છે.
કીર્તિ બોરડે કેટલાક લોકો પાસેથી વ્યાજે પૈસા લીધા હતા. જે બાદ તે પૈસા વ્યાજ સાથે પરત કરવામાં તે નિષ્ફળ ગયો હતો. જો કે, દીકરાની આ કુટેવથી તેના પિતા વાકેફ હતા. તેથી તેઓએ કિર્તીને 6 મહિના પહેલા જ ઘરમાંથી કાઢી મુક્યો હતો. આ અંગે હરજી બોરડે અખબારોમાં જાહેરાત પણ કરી દીધી હતી. દરમિયાન કીર્તિએ 6 મહિના પહેલા જયસુખ નામના વ્યક્તિની પાસેથી વ્યાજે લીધેલા પૈસા પરત કર્યા ન હતા. આ રકમ લગભગ 3 લાખ રૂપિયા હતી. જેને કીર્તિએ અંગત કામે વાપરી નાંખ્યા હતા. કેટલાક દિવસોથી જયસુખ 3 લાખની ઉઘરાણી માટે કીર્તિને શોધવા આંટાફેરા મારતો હતો. પણ કિર્તી તેને મળતો ન હતો. આખરે વ્યાજખોર જયસુખે કીર્તિના પિતા હરજી પાસેથી ઉઘરાણી શરૂ કરી દીધી હતી. આ સમયે હરજીએ જયસુખને પોતે પૈસા લીધા જ નથી તો તેને કેમ આપુ તેવો જવાબ આપ્યો હતો. જો કે, કીર્તી ન મળતા જયસુખ અકળાઈ ગયો હતો. તેણે 4 લોકોની સાથે મળીને હરજી બોરડનું અપહરણ કર્યું હતું અને માર મારીને જાનથી મારી નાંખવા પણ ધમકી આપી હતી. ઘટના બાદ હરજી બોરડે અમરોલી પોલીસ સ્ટેશનમાં પહોંચીને સમગ્ર ઘટનાની કેફિયત રજૂ કરતા પોલીસે ફરિયાદ નોંધી હતી. પોલીસે ગણતરીના સમયમાં જ બે આરોપીને ઝડપી લીધા હતા.