સુરતમાં માનવતાને શર્મશાર કરતો એક કિસ્સો બહાર આવ્યો છે. જેમાં ઉન પાટિયા વિસ્તારની એક મહિલા તેના પતિનીના લાશને વતન ઝાંસી લઈ જવા માટે 17 કલાક સુધી મૃતદેહ પાસે બેસીને મદદની ગુહાર લગાવતી રહી હતી. મૂળ ઝાંસીનો રહેવાસી રણજીત અટાસિંગ ઠાકોર તેની પત્ની અને બે બાળકો સાથે સુરતના ઉન પાટિયાના મહેબૂબ નગરમાં ભાડાના મકાનમાં રહેતો હતો. 12 વર્ષના લગ્ન જીવનમાં બે સંતાન ઘરાવતા આ દંપતીમાં પતિ રણજિત સંચા ખાતામાં કામ કરતો હતો, પરંતુ તેને દારૂ પીવાની આદત પડી ગઈ હતી. મંગળવારે દારૂ પીધા બાદ બપોરનું ભોજન કરીને રણજીત સૂઈ ગયો હતો. જે પછી કલાક બાદ તેના મિત્રએ રણજિતને જગાડવા પ્રયત્ન કર્યો પરંતુ તે તે જાગ્યો ન હતો. જેથી તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરાતા ઈએમટી સહિતનો સ્ટાફ સ્થળ પર પહોંચી ગયો હતો. જે બાદ તે ટીમે રણજીતને તપાસતા તે મૃત્યુ પામ્યો હોવાનુ બહાર આવ્યું હતુ.
ત્યારબાદ પડોશીઓએ 108ની મદદથી રણજીતને સિવિલમાં ખસેડયો હતો. જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કરી પોસ્ટમોર્ટમ કરવું પડશે એમ કહી પોલીસને જાણ કરી છે. રણજિત અટાસિંગ ઠાકોરના મોતની જાણ તેની પત્નીને કરાતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતુ. પત્નીએ આ બાબતે તેના વતનમાં સગાં-સંબંધીઓને ફોન કરી જાણ કરી હતી. જોકે બધાએ મૃતદેહ વતન ઝાંસી લઈ આવવા સલાહ આપી હતી. સુરતમાં પતિના મોત બાદ એકલી પડેલી પત્નીએ અંતિમક્રિયા કયાં કરવી તેનો નિર્ણય લેવામાં સમય ચાલ્યો જતાં આખો દિવસ વીતી ગયો હતો. આ સમયે તે પતિના મૃતદેહ પાસે બેસી રહી હતી અને મદદ માટે ફોન કરી આજીજી કરતી રહી હતી. બીજી તરફ ઝાંસી જવા માટે એમ્બ્યુલન્સવાળાએ રૂપિયા 30 હજારની માંગ કરી હતી.
આ રકમ રણજીતની પત્ની મનીષા માટે બહું મોટી હતી. પત્નીએ જેની જેની પાસે મદદ માંગી તેને તે કહેતી કે, રણજીતના મૃતદેહને ઝાંસી લઈ જવા માટે ઘણા રૂપિયા જોઈએ છે. હું આર્થિક રીતે લાચાર છું, મોંઘવારીમાં પતિની હયાતીમાં જેમ તેમ ગુજરાન ચાલતું હતું, હવે તેમની ગેરહાજરીમાં આટલા રૂપિયા ક્યાંથી લાવું. પત્નીની આ લાચારીથી એટલુ સ્પષ્ટ હતુ કે, સતત 12 વર્ષથી ઝાંસી છોડી આવનારા આ પરિવારે હજી સુધી કોઈ બચત કરી નથી. મૃતકના પરિવારના કહેવા મુજબ તેઓ છેલ્લા 12 વર્ષથી સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનની હદમાં રહેતા આવ્યા છે અને મૃતક રોજ દેશી દારૂ પીતો હતો. દારૂ પીવાને કારણે રણજીતના લીવરને અસર થઈ હતી.