તમિલનાડુના રાજકારણમા વર્ષોથી શાસન વિરોધી પરિબળે ચૂંટણીમાં મહત્વનો ભાગ ભજવ્યો છે. હાલ યોજાયેલી ચૂંટણીમાં પણ ફરી પૂનરાવર્તનની પરંપરા જળવાઈ હતી. તમિળનાડુમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં AIADMKને પછડાટ ખાવી પડી છે. જયારે DMKને સરકાર રચવાની તક મળી છે. લોકોએ એક વખત સત્તાધારી સંગઠનને બદલવા ડીએમકેને મત આપ્યા છે. આ પરિણામ માટે AIADMKની કેટલીક ભૂલ પણ કારણભૂત હોવાનું મનાય છે. આ પરિણામથી AIADMKમાં સન્નાટો ફેલાઈ ગયો છે. જેની હારના મુખ્યકારણોમાં લોકોએ જાળવેલી પૂનરાવર્તનની પરંપરા, એઆઈએડીએમકેમાં કદાવર અને અસરકારક નેતૃત્વનો અભાવ તથા કેન્દ્રીય એજન્સીઓ દ્વારા પાડવામાં આવેલા દરોડા જેવી બાબતો કારણભૂત છે. બીજી તરફ ડીએમકેને જીત મળવાના પણ અનેક કારણો છે. ડીએમકે દ્વારા ચૂંટણી ઢંઢેરામાં આ વખતે અનેક વાયદા કરાયા છે. તેથી રાજ્યના લોકો તેની તરફેણમાં મતદાન કરવા આકર્ષાયા હતા. સ્થાનિક લોકોને નોકરીઓમાં ૭૫ ટકા અનામત તથા બસની મુસાફરી માટે ફ્રી પાસની જાહેરાતે યુવાનોને તેની તરફેણમાં મત આપવા ડીએમકેએ આકર્ષ્યા ચે. આ ઉપરાંત એક વર્ષ માટે મેટરનિટી લીવની જાહેરાતથી મહિલાઓના મત ડીએમકેની તરફેણમાં ગયા છે.
આ સિવાય રેશનિંગકાર્ડ ધરાવતા લોકોને 4000ની આર્થિક મદદ અને એલપીજી સિલિન્ડર ઉપર 100 રૂપિયાની સબસીડીની જાહેરાતે પણ ડીએમકેને ફાયદો કરાવ્યો છે. બીજી તરફ એઆઈએડીએમકેમાં જયલલિતાના નિધન બાદ આંતરિક ખેંચતાણ વધી હતી. વર્તમાન સીએમ પલાનીસ્વામી અને ઓ.પનીરસેલ્વમ વચ્ચેના ખટરાગથી કાર્યકરો બે જૂથમા વહેંચાયા હતા. જયલલિતાના અવસાન બાદ પનીર સેલ્વમને સીએમ બનાવાયા પણ પછી આંતરિક સમાધાન થતાં સત્તા પલાનીસ્વામીને મળી હતી. આખરે આ બે મોટા નેતાઓના અલગ જૂથથી કાર્યકરો સંગઠીત થઈને કામ કરી શક્યા નહી. તેની સીધી અસર ચૂંટણીના પરિણામોમાં દેખાય રહી છે. ગત ચૂંટણીમાં જયલલિતાએ સત્તા પુનરાવર્તનની પરંપરા તોડી હતી અને એઆઈએડીએમકેની જીતાડીને સત્તાનું સુકાન અપાવ્યું હતુ. 2011 અને 2016માં એઆઈએડીએમકેએ ચૂંટણી જીતીને દક્ષિણના રાજ્યોમાં દર પાંચ વર્ષે સરકાર બદલાવાની માન્યતાને ખોટી પાડી હતી. વધુમાં ચૂંટણી દરમિયાન તમિલનાડુમાં એમ. કરુણાનિધિ પરિવારને ત્યાં ઈન્કમટેક્સ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. તેથી પણ એઆઈએડીએમકેને નુકસાન થયાનું કેટલાક લોકો માની રહ્યા છે.