કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજકાલ તેમના ફોટોને લઈને સોશિયલ મીડિયામાં ભારે ચર્ચમાં છે. કેરળમાં માછીમારો સાથે સમુદ્રની સફર કર્યા બાદ તેઓની બોડી બતાવતા ફોટો વાયરલ થયા હતા. હવે તેમના તમિલનાડુની મુલાકાત દરમિયાનના ફોટો ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી સતત દક્ષિણના રાજ્યોનો પ્રવાસ કરી રહ્યા છે, પોંડિચેરી, કેરળ અને હવે તમિલનાડુ. જ્યાં રાહુલનો અલગ જ અંદાજ જોવા મળી રહ્યો છે. સોમવારે કન્યાકુમારીમાં રોડ શૉ દરમિયાન મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. આ સમયે રાહુલ ગાંધીનો એક અલગ અંદાજ ચાહકોને જોવા મળ્યો હતો. રાહુલ ગાંધીએ અહીં બાળકો સાથે વાતચીત કરી હતી.
રાહુલ ગાંધીએ કન્યાકુમારીની મુલાકાત દરમિયાન યુવાનો, વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો. આ સમયે રાહુલ ગાંધી એક યુવા વિદ્યાર્થિની સાથે પુશઅપ કરતા જોવા મળ્યા હતા. સાથે જ રાહુલે એક વિદ્યાર્થી સાથે આઇકિડો પરફોર્મ કર્યું હતુ. આઇકિડો બતાવ્યા બાદ રાહુલ ગાંધીને એક વિદ્યાર્થિનીએ પુશઅપ કરવા વિનંતી કરી હતી. જે સમયે રાહુલે કોઈ પણ જાતનો વિચાર કર્યો ન હતો અને સ્ટેજ પર પહોંચી જઈ એખ વિદ્યાર્થિની સાથે પુશઅપ કરી નાંખ્યા હતા. આ સમયે ત્યાં હાજર લોકોએ તે દ્રશ્યને મોબાઈલના કેમેરામાં કેદ કરી લીધું હતુ. રાહુલ ગાંધીએ 9 સેકન્ડમાં નૉનસ્ટોપ 13 પુશઅપ્સ કરીને હાજર તમામને આશ્ચર્યમાં મુકી દીધા હતા. પુશઅપ લગાવ્યા બાદ વિદ્યાર્થિનીને રાહુલે એક હાથે પુશઅપ કરવા તાકીદ કરી હતી. જો કે, તે પહેલા રાહુલ ગાંધીએ એક હાથે પુશઅપ કરી બતાવ્યા હતા. રાહુલ ગાંધીએ જે વિદ્યાર્થિની સાથે પુશઅપ્સ ચેલેન્જ કરી એનું નામ મેરોલિન શેનિઘા છે અને તે દશમા ધોરણમાં ભણે છે. કેરળ બાદ હવે કન્યાકુમારીમાં પુશઅપ દરમિયાનના ફોટો પણ સોશિયલ મીડિયામાં ચર્ચામાં છે. લોકો દ્વારા તેની ખૂબ પ્રશંસા થઈ રહી છે.