ચારેક દિવસથી અમેરિકામાં બરફીલા તોફાનોએ પણ કેર વર્તાવ્યો છે. ગુરુવારે બરફને કારણે સેંકડો અકસ્માત નોંધાયા સાથે લાખો લોકોને વીજળી વગર સમય વીતાવવાની નોબત આવી હતી. જે બાદ હજી પણ સ્થિતિ થાળે પડી રહી નથી. બરફનાં તોફાનથી એકલા ટેક્સાસમાં જ ૫૦ લોકોનાં મોત થયા છે. ટેક્સાસમાં થયેલા બરફનાં તોફાને જનજીવનને અસ્તવ્યસ્ત કરી નાંખ્યું છે. અહીં વીજ પુરવઠો ખોરવાઈ જવાથી તેમજ પાઈપોમાં પાણી જામી જવાથી પાઈપો તૂટી જતા જળસંકટ ઉભુ થયું છે. સમગ્ર વિસ્તારમા ચાર દિવસથી ૧.૪ કરોડ લોકોને પાણી વિના ટળવળવું પડી રહ્યું છે. ટેક્સાસની કુલ વસ્તી ૨.૯ કરોડ છે પણ તેમાંથી ૫૦ ટકા વસતી પાણીનાં સંકટનો સામનો કરી રહી છે. ગત તા. ૧૦ અને ૧૧મીએ આવેલા બરફનાં તોફાનને કારણે વીજળીની ગ્રીડ ફેઈલ થઈ ગઈ હતી. જેને કારણે લાખો લોકોને અંધકારમાં રાતો વીતાવવી પડી રહી છે. વેપાર ધંધા અને બજારોમાં પણ વીજળી નહીં હોવાથી તે ઠપ થઈ ગયા છે. બીજી તરફ જુદા જુદા રાજ્યો અને શહેરોમાં તબક્કાવાર વીજળી પુરવઠો અપાઈ રહ્યો છે. પાવર સ્ટેગરિંગની સિસ્ટમ અમલમાં મુકાતા લોકો પરેશાન થઈ ગયા છે. આ સાથે જ પાણી સપ્લાય પર પણ અશર થઈ રહી છે.
પાણીનો સપ્લાય બંધ થઈ જતા લોકો બરફ એકઠો કરે છે અને તેને ગરમ કરીને પાણી તરીકે ઉપયોગ કરી રહ્યા છે. જે લોકોના આરોગ્ય માટે જોખમકારક હોવાનું નિષ્ણાંતો માની રહ્યા છે. શનિવારે હ્યુસ્ટનનાં સ્ટેડિયમની બહાર પાણી લેવા માટે હજારો લોકોએ લાઈનમાં ઉભા રહેવું પડ્યું હતુ. બીજી તરફ સરકાર અને પ્રશાસન શહેરમાં સ્થિતિને સામાન્ય કરવા મથામણ કરી રહ્યા છે. મોટાભાગનાં વિસ્તારમાં પાંચ દિવસ સુધી વીજળી પુરવઠો ઠપ થયા પછી તમામ પાવર પ્લાન્ટ ચાલુ કરી દેવાયા છે. જો કે, શનિવારે સાંજની સ્થિતિએ પણ ૨ લાખ ઘરમાં વીજપુરવઠો પૂર્વવત થયો ન હતો. ૧૭૭ કાઉન્ટીમાં ૧૦૦૦ પબ્લિક વોટર સિસ્ટમમાં પાણી સપ્લાય હજી શરૂ થઈ શક્યો નથી. પાઈપો ફ્રીઝ થઈને ફાટી જતા અનેક ઘરની છત તૂટી છે.