જમ્મુ કાશ્મીર અને હિમાલય પર હિમવર્ષાને પગલે ભારતના ઉત્તર-મધ્ય વિસ્તારમાં તીવ્ર શીતલહેર ફેલાઈ ચુકી છે. શનિવારે રાતે ઉત્તર અને મધ્ય ભારતના અનેક વિસ્તારોમાં ગરમીનો પારો 3 ડીગ્રી સુધી પહોંચી ગયો હતો. આ સાથે જ લોકો ઠંડીમાં ઠુઠવાયા હતા. કાશ્મીરમાં ચિલ્લઇ ક્લાનના પ્રારંભ પહેલાં જ તાપમાનનો પારો ગગડી ચુક્યો હતો. શ્રીનગરમાં શુક્રવારે સિઝનની સૌથી ઠંડી નોંધાઈ હતી. જેમાં શુક્રવારે રાત્રે તાપમાન ગગડીને માઇનસ ૬.૬ ડિગ્રી થઈ ગયું હતુ. આ ઉપરાંત કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખના દ્રાસમાં પારો માઇનસ ૨૯ ડિગ્રી સુધી પહોંચી ગયો હતો. એ જ રીતે લેહમાં માઇનસ ૧૬.૪ અને કારગિલમાં માઇનસ ૨૧.૧ ડિગ્રી સે. નોંધાયું હતુ.
જમ્મુ કાશ્મીર અને હિમાલયના પહાડી વિસ્તારોમાં પારો માઈનસમાં ચાલ્યો જતાં હવે તેની સીધી અસર ઉત્તર ભારતના મેદાની રાજ્યોમાં વર્તાવા માંડી છે. ઉત્તરથી મધ્ય ભારતના મેદાની રાજ્યોમાં ઠંડીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. અમૃતસરમાં પારો ૦.૪ ડિગ્રી સુધી ગગડી જતાં અહીં ઠંડીએ છેલ્લા ૧૦ વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો હતો. હરિયાણા, દિલ્હી, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં પણ ઠંડીનો કેર વર્તાવા માંડ્યો છે. રાજસ્થાનનું ચુરુ મેદાની વિસ્તારોમાં સૌથી ઠંડું રહ્યું હતું. જયાં શુક્રવારે રાત્રે તાપમાન માઇનસ ૦.૧ ડિગ્રી નોંધાયું હતું. આ ઉપરાંત રાજસ્થાનના મોટાભાગના શહેરોમાં ૩ ડિગ્રી સેલ્સિયસ જેવું નજીવુ તાપમાન નોંધાયું હતુ. રાજસ્થાનના ૩૦ જિલ્લામાં ૭ ડિગ્રીથી નીચે તાપમાન નોંધાયું હોવાના અહેવાલો છે. મધ્યપ્રદેશના ૨૩ શહેરોમાં ૧૦ ડિગ્રીની નીચે તાપમાન રહેતા લોકોને કાતિલ ઠંડી સહન કરવી પડી હતી. મળતી વિગતો મુજબ ભીલવાડા, રાજસ્થાન ખાતે ૧.૬ ડિગ્રી, નરનૌલ-હરિયાણા ખાતે ૨.૨ ડિગ્રી, કરનાલમાં 2.3, રાજેસ્થાનના ચિત્તોડગઢમાં ૨.૫ ડિગ્રી, યપીના ફુરસતગંજમાં ૨.૬ ડિગ્રી તથા બરેલીમાં ૨.૮ ડિગ્રી, અને પંજાબાના લુધિયાણામા ૨.૮ ડિગ્રી જેવુ નીચુ તાપમાન નોંધાતા તમામ વિસ્તારો ઠંડીની ચપેટમાં આવી ગયા હતા.