ગુજરાતના કેટલાક વિસ્તારમાં બદલાતા વાતવરણ સાથે માવઠું થઈ રહ્યું છે. શનિવાર બાદ રવિવારે દક્ષિણ ગુજરાતના કપરાડા તાલુકાના ગામો અને સંઘપ્રદેશમા બરફના કરા પડવા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે. રવિવારે પણ બનાસકાંઠાના કેટલાક વિસ્તારોમાં કરાં સાથે વરસાદ વરસ્યો ખાબક્યો હતો. આ પહેલાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પણ ભર ઉનાળે ચોમાસાનો માહોલ સર્જાયો હતો. હવે ફરી એકવાર હવામાન વિભાગે રાજ્યના કેટલાક વિસ્તારમાં વરસાદની આગાહી કરી છે. સાયક્લોનિક સરક્યુલેશનના કારણે રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ અને કેટલાક વિસ્તારમાં વરસાદ થયો હતો. જેને કારણે તાપમાનનો પારો પણ ગગડયો છે. અઠવાડિયાથી અમદાવાદ સહિત રાજ્યના વિવિધ વિસ્તારમાં તાપમાનનો પારો ૪૧ ડિગ્રીને વટાવી ગયો હતો. જેને કારણે લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. જો કે, બે દિવસથી વાદળછાયું વાતાવરણ રહેતા મહત્તમ તાપમાન ગગડયું છે. વાદળો ઘેરાવા સાથે હવામાં ભેજનું પ્રમાણ વધતા વાતાવરણમાં બફારો વધ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ પણ થઈ રહ્યો છે. કેટલાક વિસ્તારમાં કાળઝાળ ગરમી પડી રહી છે તો કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. હવે હવામાન ખાતા દ્વારા કરવામાં આવેલી આગાહી પ્રમાણે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં, ઉત્તર ગુજરાતમાં અને કચ્છમાં હિટવેવ વર્તાશે. ગરમીની સાથે આ વિસ્તારોમાં પ્રતિ કલાકે ૪૦ કિ.મી.ની ઝડપે પવન ફુંકાઈ શકે છે. સોમવાર અને મંગળવારે સૌરાષ્ટ્રના પોરબંદર તેમજ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા અને કચ્છમાં હિટવેવથી મુશ્કેલી પડશે. જો કે, આમ છતાં મંગળવારથી ત્રણ દિવસ સૌરાષ્ટ્ર-કચ્છમાં કમોસમી વરસાદ પડવાની સંભાવના છે. જેમાં મંગળવાર, બુધવાર અને ગુરુવાર દરમિયાન સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ અને કચ્છમાં કમોસમી વરસાદ પડશે.