રોહિત શર્માને શ્રીલંકા સામેની હોમ સીરીઝ પહેલા ભારતીય ટેસ્ટ ટીમના કેપ્ટન તરીકે જાહેર કરવામાં આવશે જ્યારે સીનિયર બેટ્સમેન વિરાટ કોહલીને મોહાલીમાં તેની 100મી ટેસ્ટ પહેલા આરામ આપવામાં આવી શકે છે. ચેતન શર્માની આગેવાની હેઠળની પસંદગી સમિતિ આગામી થોડા દિવસોમાં ટીમની જાહેરાત કરે તેવી શક્યતા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, કોહલીને મોહાલી (4-8 માર્ચ) અને બેંગલુરુ (12-16 માર્ચ) વચ્ચે રમાનારી બે ટેસ્ટ મેચ પહેલા ત્રણ મેચની T20 શ્રેણીમાંથી આરામ આપવામાં આવી શકે છે. રવિન્દ્ર જાડેજા ઘૂંટણની ઈજામાંથી સાજો થઈ ગયો છે જેના કારણે તે દક્ષિણ આફ્રિકા અને વેસ્ટ ઈન્ડિઝ સામેની શ્રેણીમાંથી બહાર થઈ ગયો હતો.
“જાડેજા ફિટ છે અને પસંદગી માટે ઉપલબ્ધ છે, પરંતુ વોશિંગ્ટન સુંદર શ્રીલંકા સામેની શ્રેણીમાં રમશે નહીં,” ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ના સૂત્રોએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું. આ સિવાય કેએલ રાહુલનું ઓછામાં ઓછું ટી20 સિરીઝમાં રમવું શંકાસ્પદ છે. જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ શમી આરામ કર્યા બાદ વાપસી કરે તેવી અપેક્ષા છે.
શુભમન ગિલની હાલની ફિટનેસ સ્થિતિ જાણી શકાઈ નથી. છેલ્લા કેટલાક સમયથી સારૂ પ્રદર્શન ન કરી રહેલા ચેતેશ્વર પુજારા અને અજિંક્ય રહાણે જ્યારે પસંદગી સમિતિ ટેસ્ટ ટીમની પસંદગી કરશે ત્યારે ચર્ચાનો મુખ્ય વિષય રહેશે. જોકે રહાણેએ રણજી મેચમાં સદી ફટકારીને ફોર્મમાં પરત ફરવાના સંકેત આપ્યા છે.