પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ગુજરાતમાં PMJAY-MA કાર્ડના 50 લાખ લાભાર્થીઓને આયુષ્માન પીવીસી કાર્ડ આપવાના મહાઅભિયાનનો ગાંધીનગરથી શુભારંભ. આયુષ્માન કાર્ડ જરૂરિયાતમંદ પરિવારને અડધી રાત્રે કામ આવે એવી સોનાની લગડી છે : પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી. અન્ય દેશો માત્ર હેલ્થ ઇન્સ્યોરન્સ આપે છે, ભારતે હેલ્થ એશ્યોરન્સ આપ્યું છે : નરેન્દ્રભાઈ મોદી. મોંઘામાંમોંઘી સારવાર વિનામૂલ્ય આપતું ₹5 લાખનું આ એટીએમ કાર્ડ છે, જે અનેક પરિવારો માટે તારણહાર છે, સંકટમોચક છે : પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી. ડબલ એન્જિન સરકારને પરિણામે ગુજરાતની ૩૦૦૦ હોસ્પિટલમાં ૨૭૦૦ જેટલી આરોગ્ય સેવાઓ નાગરિકોને નિ:શુલ્ક મળી રહી છે : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ. કેન્દ્રીય આરોગ્ય મંત્રી ર્ડા. મનસુખ માંડવિયા પણ વર્ચ્યુઅલી જોડાયા : પ્રઘાનમંત્રીએ લાભાર્થીઓ સાથે સીઘો સંવાદ કર્યો : મુખ્યમંત્રીના હસ્તે ત્રણ લાભાર્થીઓને PMJAY- MA પીવીસી કાર્ડ અર્પણ કરાયા. ગુજરાતમાં ૫૦ લાખ પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના-મા કાર્ડ નાગરિકોને અર્પણ કરવાના મહાઅભિયાનનો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ચ્યુઅલી શુભારંભ કરાવ્યો હતો. ગાંધીનગરમાં સિવિલ હોસ્પિટલ સંકુલમાં મેડિકલ હોલ ખાતે યોજાયેલા રાજ્યકક્ષાના સમારોહમાં વર્ચ્યુઅલી જોડાયેલા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના કેટલાક લાભાર્થીઓ સાથે સીધો સંવાદ પણ કર્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કેટલાક લાભાર્થીઓને પીવીસી કાર્ડ અર્પણ કર્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ આ અવસરે કહ્યું હતું કે, પીએમજેએવાય-મા કાર્ડ તમામ પરિવારોને અડધી રાત્રે કામ આવે એવી સોનાની લગડી છે. કોઈપણ જરૂરિયાતમંદ પરિવાર અડધી રાત્રે કોઈપણ હોસ્પિટલના દરવાજે જઈને ઉભો રહેશે તો એ હોસ્પિટલના દરવાજા ખુલી જશે. પ્રવર્તમાન પરિભાષામાં વાત કરતાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, એક રીતે આ રૂ. પાંચ લાખનું એટીએમ કાર્ડ છે. સમાજના જરૂરિયાતમંદ લોકો આ યોજનાનો વધુને વધુ લાભ લે એ જરૂરી છે. તેમને કહ્યું કે આયુષ્માન કાર્ડ પરિવારનું સૌથી મોટું તારણહાર છે, સંકટમોચક છે. ભારતમાં ચાર કરોડ લોકો આ યોજનાનો લાભ લઈ રહ્યા છે અને ગુજરાતમાં 50 લાખ જેટલા લોકોને આ યોજનાથી રાહત મળી છે. તેમણે કહ્યું હતું કે, હવે બીમારી આવશે તો કોઈને મજબૂરી નહીં વેઠવી પડે. આ કાર્ડ મજબૂતી આપશે. તેમણે એમ પણ કહ્યું હતું કે, પીએમજેએવાય-જનઆરોગ્ય કાર્ડથી માત્ર ગુજરાતમાં જ નહીં, કોઈપણ રાજ્યની કોઈપણ હોસ્પિટલમાં, કોઈપણ રાજ્યનો નાગરિક સારવાર કરાવી શકે એવી વ્યવસ્થા ભારત સરકારે કરી છે પરિવારના તમામ સભ્યોને આ યોજનાનો લાભ મળે એવું આયોજન પણ સરકારે કર્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું હતું કે, ‘સર્વે સંતુ નિરામયા’, બધા જ લોકો રોગમુક્ત રહે. રાજ્ય સરકાર અને ભારત સરકાર સાથે મળીને મોટામાંમોટું સુરક્ષા કવચ પૂરું પાડી રહી છે. વિશ્વના પ્રગતિશીલ અને સમૃદ્ધ દેશોમાં હેલ્થ ઇન્સ્યોરન્સ-આરોગ્યના વીમાની વાતો આપણે સાંભળી હતી, ભારત એક ડગલું આગળ વધ્યું છે. આપણે માત્ર હેલ્થ ઇન્સ્યોરન્સ નથી, હેલ્થ એસ્યોરન્સનું સપનું જોયું છે અને એ સાકાર થઈ રહ્યું છે. તેમણે કહ્યું હતું કે, ભારતની પ્રધાનમંત્રી જનઆરોગ્ય- મા યોજના સમગ્ર દુનિયામાં ચર્ચાનો વિષય છે. દિવાળીના દિવસોમાં ગુજરાત સરકારે જરૂરિયાતમંદ લોકોને આ કાર્ડ આપવાનું ભગીરથ કામ હાથ ધર્યું છે. ગુજરાતમાં ધનતેરસ અને દિવાળીના તહેવારોના સપરમા દિવસોમાં ગુજરાતમાં આરોગ્યનો મહામહોત્સવ ઉજવાઈ રહ્યો છે. તહેવારોના આ દિવસોમાં આરોગ્યના ઇષ્ટદેવ ધન્વંતરીની પૂજાનું મહાત્મ્ય છે. આરોગ્યથી મોટું બીજું કોઈ પુણ્ય નથી, કોઈ સૌભાગ્ય ન હોઈ શકે. દિવાળીના આ દિવસોમાં ગુજરાત સરકારે જરૂરિયાતમંદ લોકોને પી.એમ.જે એ.વાય.- મા કાર્ડનું વિતરણ કરવાનું મહાઅભિયાન હાથ ધર્યું છે, એ ખૂબ પુણ્યનું-પરમ સૌભાગ્યનું કામ છે. આજે સાંજ સુધીમાં ગુજરાતમાં બે લાખ જેટલા લોકો સુધી પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજનાના પીવીસી કાર્ડ પહોંચતા કરવાનું મહાઅભિયાન છે. આગામી દિવસોમાં 50 લાખ પી.વી.સી. કાર્ડ લોકોને અર્પણ કરાશે.સામાન્ય માનવીને શું તકલીફો છે એ જોઈને, નાગરિકોની જરૂરિયાતોનો અભ્યાસ કરીને, સંવેદનાપૂર્વક અડચણોને દૂર કરવા ગુજરાત સરકારે ચોક્કસ નીતિઓ બનાવી છે. સંપૂર્ણ અભ્યાસ પછી નીતિનું ઘડતર થાય છે પરિણામે દેશનો સામાન્ય નાગરિક એમ્પાવર થાય છે. વ્યક્તિ જ્યારે પાવરફુલ થાય છે ત્યારે ઘણી સમસ્યાઓનો આપોઆપ અંત આવી જાય છે. તેમણે કહ્યું હતું કે, મારે ભારતની માતાઓ અને બહેનોને એમ્પાવર કરવી છે. ભારત સરકારે ગરીબોને મફત ગેસ કનેક્શન આપ્યા. અત્યાર સુધી બહેનો લાકડા સળગાવીને અનાજ પકવતી હતી, પરિણામે ધુમાડાથી બીમારી આવતી હતી. સરકારે પાકી છતવાળું ઘર આપ્યું છે. નળથી ઘરે ઘરે જળ પહોંચાડ્યું છે. ઘરે ઘરે શૌચાલયો બન્યા છે. આ તમામ યોજના-ઓથી બીમારીઓ આવતી જ અટકી છે. કોરોનાના કપરા સમયમાં ભારત સરકારે ચિંતા કરી હતી કે, મહામારીમાં કોઈપણ ઘર એવું ન હોવું જોઈએ જ્યાં ચૂલો ન સળગ્યો હોય. અને એટલે જ ભારત સરકારે કોરોનાના કપરા કાળમાં 80 કરોડ લોકોને મફત અનાજ પૂરું પાડ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું હતું કે,પરિવારમાં કોઈ બીમારી આવે તો માતાઓ-બહેનોએ મંગળસૂત્ર ગીરવે મૂકવું પડતું હતું. આવા દિવસો અનેક પરિવારોએ જોયા હશે. પીએમજેએવાય-મા કાર્ડથી સૌથી વધુ લાભ માતાઓ અને બહેનોને થશે. કારણ કે આપણા સમાજમાં માતાઓ અને બહેનો વધુને વધુ માંદગી સહન કરે છે. પરિવાર ખર્ચના ખાડામાં ન ઉતરી જાય તે માટે બહેનો પોતાની પીડા વ્યક્ત નથી કરતી. પરંતુ હવે આ દીકરા સામે માતા-બહેનોએ પોતાની બીમારી છુપાવવી નહીં પડે. સરકાર પૈસા ખર્ચીને માતાઓ અને બહેનોની સારવાર કરાવશે. ગુજરાતમાં પોતાના મુખ્યમંત્રીકાળ દરમિયાન ચિરંજીવી યોજના, બાલભોગ યોજના, ખીલખિલાટ યોજના, બાળમિત્ર યોજના જેવી અનેક લોકભોગ્ય યોજનાઓની સ્મૃતિ તાજી કરતાં તેમણે કહ્યું હતું કે, આ યોજનાઓથી નાગરિકોના જીવનમાં મોટા પરિવર્તન આવ્યા છે. તેમણે આવી અનેક યોજનાઓ માટે ગુજરાત સરકારને ધન્યવાદ આપ્યા હતા અને તમામ નાગરિકોને શુભકામનાઓ પાઠવી હતી. ગરીબ- સામાન્ય પરિવારના સભ્યને મોટી માંદગી આવે એટલે પરિવાર સારવાર માટે દેવાના ડુંગરમાં ખડકાઇ જતો હોય છે, તેવું કહી રાજયના મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે જણાવ્યું હતું કે, આવા પરિવારમાંથી આવતો વ્યક્તિ જ તેમની વેદના સમજી શકે છે, તે વેદનાનો અહેસાસ તત્કાલિન રાજયના મુખ્યમંત્રી અને સંવેદનશીલ વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદીએ અનુભવી છે.જેની ફલશ્રૃતિરૂપે રાજયમાં વર્ષ- ૨૦૧૨માં મા યોજનાના બીજ રોપાયાહતા. આ યોજના થકી અનેક પરિવારને આરોગ્યની મોંઘી સારવાર સામે સુરક્ષા કવચ મળ્યું હતું, તેવું કહી તેમણે ઉમેર્યું હતું કે, જેનું કોઇ નહિ તેની મોદી સરકાર એવો વિશ્વાસ ગરીબો અને અંત્યોદયમાં જાગ્યો. મા યોજનાનો લાભ વઘુને વઘુ ગરીબોને મળતો થયો હતો. વર્ષ- ૨૦૧૪માં મા યોજનાને મા વાત્સલ્ય યોજના થકી મઘ્યમ પરિવારોને પણ આવરી લેવામાં આવ્યા હતો. દેશના વડાપ્રઘાન તરીકેનું સુકાન સંભાળતા જ વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદીએ દુનિયાની સૌથી મોટી હેલ્થ અશ્યોરન્સ સ્કીમ- પ્રઘાનમંત્રી જનઆરોગ્ય- આયુષ્યમાન ભારત યોજના સાથે જોડી છે. રાજયના દોઢ કરોડથી વઘુ લોકોને આ યોજના હેઠળઆવરી લેવામાં આવ્યા છે, તેવું પણ તેમણ જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, ડબલ એન્જિન સરકારને પરિણામે ગુજરાતની ૩૦૦૦ જેટલી હોસ્પિટલમાં ૨૭૦૦ જેટલી આરોગ્ય સેવાઓ જરૂરિયાતમંદ નાગરિકો-ને નિ:શુલ્ક મળી રહી છે. પી.એમ.જે.વાય.- મા યોજના દ્વારા રૂ. ૫ લાખ સુઘી સારવાર નિ:શુલ્ક મળે છે. ગુજરાતની પ્રજાની આરોગ્ય સુરક્ષાને સુદ્રઢ કરતી ભેટ વડાપ્રઘાનએ વર્ચ્યુઅલ પ્રેરણાદાયી ઉપસ્થિતિમાં મળી છે. પી.એમ.જે.એ.વાય-મા કાર્ડ વિતરણ કેમ્પનું રાજયમાં આરંભ કરીને ૫૦ લાખ મા- કાર્ડનું વિતરણ થઇ રહ્યું છે. નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતના વિકાસનો જે મજબૂત પાયો નાંખ્યો છે, તેના આઘાર ઉપર ગુજરાત દરેક ક્ષેત્રે અગ્રેસર રાજય બન્યું છે, તેનો આનંદ વ્યક્ત કરીને તેમણે જણાવ્યું હતું કે,ગુજરાતમાં આરોગ્ય માળખાને સુદ્રઢ બનાવવા અને જન- જનની આરોગ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવા રાજય સરકારે વડાપ્રઘાનએ નિર્ણાયક પગલા ભર્યા છે. ગુજરાત-ના આરોગ્ય માળખાને વઘુ મજબૂત કરતા અમદાવાદ- મેડિસિટી, ૧૮૮ ડાયાલિસિસ સેન્ટર અને ૨૨ કિમોથેરેપી સેન્ટર સહિત કુલ આશરે રૂ. ૧૩૦૦ કરોડના આરોગ્ય- સુરક્ષાના પ્રકલ્પોની ભેટ વડાપ્રઘાનએ આપી છે. કોરોના-કાળમાં વિશ્વનું સૌથી મોટું રસીકરણ અભિયાન પાર પાડવામાં ગુજરાત અગ્રેસર છે. નેશનલ ક્વોલિટી એશ્યોરન્સ સ્ટાન્ડર્ડ દ્વારા પ્રમાણિત આરોગ્ય સુવિધાઓ પૂરી પાડવામાં ગુજરાત દેશમાં પ્રથમ સ્થાને છે, તેવું જણાવી તેમણે ઉમેર્યું હતું કે, ૨૦૨૦-૨૧માં નીતિ આયોગના SDG – ઈન્ડિયા ઈન્ડેક્સના સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ થ્રીમાં આરોગ્યને લગતા ઇન્ડીકેટરમાં આપણે પ્રથમ ક્રમ હાંસલ કર્યો છે.આજે જે કાર્ડનું વિતરણ થવાનું છે, તે પી.એમ.જે.એ.વાય.-મા યોજના હેઠળ મહત્તમ આયુષ્માન કાર્ડ બનાવવા માટે ભારત સરકાર દ્વારા ગુજરાતને શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા રાજ્ય તરીકે “આયુષ્માન ઉત્કૃષ્ટતા પુરસ્કાર ૨૦૨૨” એનાયત કરવામાં આવ્યો છે. ૫૦ લાખ પી.એમ.જે.એ.વાય કાર્ડના વિતરણનો આનંદ વ્યક્ત કરી વર્ચ્યુઅલી જોડાયેલા કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવિયાએ જણાવ્યું હતું કે, હું ધારાસભ્યો હતો, ત્યારે અનેક ગરીબ – મધ્યમ વર્ગના પરિવારના લોકો પોતાના સ્વજનની કિડની હૃદય કે અન્ય કોઈ મોટી બિમારીની સારવાર માટે ભલામણ પત્ર અથવા સહાય માટે આવતા હતા. આ અંગે રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. તે સમયે ગરીબોની વેદનાની અનુભૂતિ કરી શકતા વડાપ્રઘાનએ ગુજરાત રાજ્યમાં મા યોજના અમલી બનાવી હતી. વડાપ્રઘાન નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર દેશમાં ગરીબ અને મધ્યમ પરિવારોની આરોગ્યની ચિંતા વ્યક્ત કરી આયુષ્યમાન ભારત યોજનાને અમલી બનાવી હતી. આ યોજનામાં ૫૦ કરોડના લોકોને આવરી લીધા છે. સમગ્ર દેશમાં યોજના થકી આરોગ્ય સેવા યજ્ઞનો આરંભ કર્યો છે. ગરીબ પરિવારના ઘરમાં આકસ્મિક કોઈ મોટી બીમારી આવે, તો તેઓને આરોગ્ય કવચરૂપ આ કાર્ડ બને છે. પી.એમ.જે.એ.વાય યોજના થકી આરોગ્ય સેવામાં ઉંચ- નીચનો ભાવ દૂર થયો છે. ગરીબ અને મધ્યમ પરિવારના લોકો પણ પોતાના સ્વજનને સારી હોસ્પિટલમાં સારવાર કરાવી રહ્યા છે. ગરીબ- મઘ્યમ પરિવારો માટે પી.એમ.જે.એ.વાય. કાર્ડ આરોગ્યનું કવચ છે, તેવું જણાવી ગુજરાતના આરોગ્ય અને પરિવાર કલ્યાણમંત્રી ઋષિકેશભાઇ પટેલે જણાવ્યું હતું કે, આજે સમગ્ર રાજયમાં ૩૬૦ કરતા વઘુ સ્થળો ખાતેથી આ કાર્ડ વિતરણનો આરંભ કરવામાં આવ્યો છે. ૫૦ લાખ કાર્ડનું વિતરણ કરવામાં આવશે. તેમણે ઉમેર્યું હતું કે, વડાપ્રઘાન ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે તેમણે ગરીબ- અંત્યોદય પરિવારને ગંભીર બિમારી સામે આરોગ્ય સારવાર આપવા માટે મા કાર્ડની યોજના અમલી બનાવી હતી. એક દાયકામાં આરોગ્ય કવચનો ૪૬ લાખ લોકોએ નાની મોટી બિમારી માટે લાભ લીઘો છે. સરકારે રૂ. ૮ હજાર કરોડની ચુકવણી કરી છે. આ કાર્ડ થકી ખાનગી હોસ્પિટલમાં પણ સારવાર મળી રહી છે. રાજયમાં ૧.૫૮ લાખ કરોડ લાભાર્થીઓને પી.એમ.જે.એ.વાય- મા કાર્ડ ઇસ્યુ કરવામાં આવ્યા છે. છેલ્લા એક વર્ષમાં ૫૦ લાખથી વઘુ કાર્ડ આપવામાં આવ્યા છે. હવે, આ લાભાર્થી-ઓને પ્રિન્ટ કરાયેલા નવા આયુષ્માન પીવીસી કાર્ડ આપવામાં આવશે. આ પ્રસંગે શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણી, નાણાંમંત્રી કનુભાઇ દેસાઇ, ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર હિતેષ મકવાણા, જિલ્લા પંચાયત પ્રમુખ દિલીપભાઇ પટેલ, ગાંધીનગર(દ)ના ઘારાસભ્ય શંભુજી ઠાકોર, મુખ્ય સચિવ પંકજકુમાર, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલ, આરોગ્ય કમિશનર શાહમીના હુસેન, નેશનલ હેલ્થ મિશનના ડાયરેકટર રેમ્યા મોહન, ગાંધીનગરના મ્યુનિસિપલ કમિશનર સંદિપ સાંગલે, જિલ્લા કલેકટર પ્રવીણા.ડી.કે., જિલ્લા વિકાસ અધિકારી સુરભિ ગૌત્તમ સહિત આમંત્રિત મહાનુભાવો અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.