છેલ્લાં 3 વર્ષથી એક પછી એક ચૂંટણીમાં પછડાટ ખાનાર કોંગ્રેસમાં મોટા ફેરબદલના એંધાણ વર્તાય રહ્યા છે. શનિવારે પાર્ટીની મહત્વની બેઠક યોજાનાર છે. જો કે, તે પહેલા પણ સોનીયા ગાંધી કોઈ નવી જાહેરાત કરી શકે છે. ગાંધી પરિવાર પોતાના ભરોસેમંદને પાર્ટીમાં મહત્વની જવાબદારી સોંપી શકે તેવી અટકળો ચાલી રહી છે.
2019ની લોકસભા ચૂંટણીમાં શિકસ્ત ખાધા બાદ માત્ર રાજસ્થાન અને એમપીની વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસનો દેખાવ સારો રહ્યો હતો. આ ચૂંટણી સિવાય તમામ સ્થળે કોંગ્રેસની કારમી હાર થઈ છે. વળી, 3 માસથી તો સીનીયર નેતાઓ જ આ મુદ્દે ખુલ્લેઆમ બોલતા થયા હતા.
પાર્ટીમાં જ અસંતોષ વધતા સંગઠનમાં ધરમૂળથી ફેરફારની માંગ ઉઠી રહી હતી. દરમિયાન શનિવારે ઘણી જ મહત્વની બેઠક યોજવા પાર્ટીએ તૈયારી કરી હતી. લોકસભા ચૂંટણીમાં હારની નૈતિક જવાબદારી લેતા રાહુલ ગાંધીએ અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધા બાદ પાર્ટીમાં સક્ષમ નેતૃત્વનો અભાવ છે. સોનિયા ગાંધી વચગાળાના અધ્યક્ષ છે, પરંતુ નાદૂરસ્ત તબિયતને કારણે સંગઠન કે પાર્ટીના કામકાજ પર તેઓ પુરતુ ધ્યાન આપી શકતા નથી. તેથી પાર્ટીમાં કોઈ સીનિયર અને સક્ષમ નેતાને કાયમી અધ્યક્ષ બનાવવાની માંગ ઘણાં સમયથી ઉઠતી રહી છે. હવે શનિવારની બેઠકમાં કૉંગ્રેસના નવા પ્રમુખને લઇને નિર્ણય થવાની સંભાવના છે. સોનિયા ગાંધી વચગાળા અધ્યક્ષ પદને છોડી શકે તેવી પ્રબળ શક્યતા વચ્ચે બેઠકમાં પાર્ટીના સ્થાયી અધ્યક્ષની ચૂંટણીને લઈને ચર્ચા વિચારણા થશે.
રાહુલ ગાંધીને એકવાર ફરી પાર્ટીની કમાન સોંપવા નિર્ણય થશે તેવું પાર્ટીના કેટલાક નેતા અને કાર્યકરો માની રહ્યા છે. બેઠકમાં તેમને મનાવવાનો પ્રયત્ન થઈ શકે છે. ગત વર્ષે કૉંગ્રેસ અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યા બાદ રાહુલે કહ્યું હતુ કે, તેઓ ઇચ્છે છે કે ગાંધી પરિવારથી બહારનો કોઈ નેતા પાર્ટીની કમાન સંભાળે. તે સમયે મુકુલ વાસનિક, મીરા કુમાર જેવા કેટલાક નેતાના નામ ચર્ચામાં આવ્યા હતા. હવે જો રાહુલ અધ્યક્ષ પદ માટે તૈયાર નહીં થાય તો પરિવારથી બહારના કોઈ નેતાને પાર્ટીની કમાન સોંપવા પર મંથન થઈ શકે છે. બેઠક દ્વારા સોનિયા ગાંધી હવે અસંતુષ્ટ કહેવાતા ગુલામ નબી આઝાદ, આનંદ શર્મા, કપિલ સિબ્બલ, મનીષ તિવારી, શશિ થરૂર જેવા નેતાને સાધવાનો પ્રયત્ન કરશે તેવું જાણકારો માની રહ્યા છે.
આ માટે કમલનાથની પહેલથી સક્રિય છે. તેઓ પાર્ટી અને અસંતુષ્ટો વચ્ચે ચર્ચાવિચારણા કરી સંગઠનને મજબૂત બનાવવાની દીશામાં કામ કરી રહ્યા છે. કમલનાથે કેટલાક દિવસ પહેલા જ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી હતી.