ભારતમાં 16મી જાન્યુઆરીથી શરૃ થયેલા વેકસીનેશન અભિયાનમાં સતત કામગીરી થઈ રહી છે. જેને કારણે અત્યાર સુધીમા ભારતમાં 20,29,480 લોકોને રસીનો પ્રથમ ડોઝ અપાયો છે. બીજી તરફ છેલ્લા 20 દિવસથી નવા નોંધાયેલા દર્દીઓ સામે સાજા થનારા દર્દીઓનો આંકડો વધી રહ્યો છે. તેને કારણે સરકાર અને આરોગ્ય તંત્રને આશા છે કે કોરોના સામેના જંગમાં અભિયાન ધીમે ધીમે સફળતા તરફ આગળ વધી રહ્યું છે. ભારતમાં અત્યાર સુધીમાં કોરોનાને મહાત આપનાનારાઓની સંખ્યા 1,03,59,305 સુધી પહોંચી છે. સરકારી અહેવાલો મુજબ જ છેલ્લા 7 દિવસથી ભારતમાં પ્રત્યેક દસ લાખની વસ્તીએ દૈનિક નવા કેસોની સૌથી ઓછી સંખ્યા ઘટી છે. તેથી ભારત હવે સૌથી વધુ રિકવરી રેટ ધરાવતા દેશમાં સામેલ થયું છે. કેન્દ્રના નેતૃત્વ હેઠળ એક્ટિવ અને વિકસતી ટેસ્ટ, ટ્રેક, ટ્રીટ, ટેકનોલોજીની વ્યૂહનીતિના કારણે આ પ્રોત્સાહક પરિણામો ટકી રહ્યાં છે. હોસ્પિટલોમાં અને હોમ આઇસોલેશનમાં દેખરેખ હેઠળ રાખેલા દર્દીઓની હાલત પણ સુધરી છે. કેન્દ્ર સરકારે પૂરતા જથ્થામાં વેન્ટીલેટર્સ, PPE કિટ્સ, દવાવગેરે પૂરા પાડીને રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોની સરકારોને સતત સહકાર આપતા કોરોના સામે સ્થિતિ મજબૂત બનવી રહી છે.
મળતી વિગતો મુજબ કોરોના મહામારીમાં રાષ્ટ્રીય રિકવર થવાનો સરેરાશ દર 96.91% નોંધાયો છે. દેશમાં નવા રિકવર થઇ ગયેલા દર્દીઓમાંથી 84.52% દર્દીઓની સંખ્યા 9 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી છે. કેરળમાં એક દિવસમાં વધુ 5,290 દર્દીઓ રિકવર થયા છે જે સમગ્ર દેશમાં સૌથી વધુ આંકડો છે. આ ઉપરાંત, મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં વધુ 2,106 દર્દીઓ જ્યારે કર્ણાટકમાં વધુ 738 દર્દીઓ રિકવર થયા છે. દેશમાં નવા સંક્રમિતોમાં 84.73% નવા દર્દીઓ માત્ર 7 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના છે. જયારે 7 દિવસથી ભારતમાં પ્રત્યેક દસ લાખની વસ્તીએ સરેરાશ ફક્ત 1 વ્યક્તિનું મૃત્યુ નોંધાયું છે. છેલ્લા કેટલાક અઠવાડિયામાં દેશમાં એક્ટિવ કેસોની સંખ્યામાં દૈનિક ઘટાડો થતા તંત્ર રાહતનો શ્વાસ લઈ રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં સમગ્ર દેશમાં દૈનિક ધોરણે નવા નોંધાયેલા કેસની સંખ્યા 12,689 છે. જયારે ભારતમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 1,76,498 હોવાનું જાણવા મળ્યું છે. કોરોનાના ભારતમાં કુલ નોંધાયેલા પોઝિટિવ કેસોમાંથી એક્ટિવ કેસોનું ભારણ ઘટીને માત્ર 1.65% રહ્યું છે. જે એક સૌથી નોધપાત્ર બાબત આ અભિયાનમાં બની છે. ભારતમાં રસીકરણની કવાયતમાં 27 જાન્યુઆરી 2021ના રોજ સવારે 8 વાગ્યા સુધીમાં દેશમાં કુલ 20,29,480 લાભાર્થીઓને કોવિડની રસી આપવામાં આવી છે. 24 કલાકમાં દેશમાં 194 સ્થળે 5,671 લોકોને રસી આપવામાં આવી હતી.