ભારતના પડોશી દેશ બાંગ્લાદેશમાં બુધવારે કટ્ટરપંથીઓએ તોફાન મચાવીને હિંદુ ગામને નિશાન બનાવ્યું હતુ. જેમાં અનેક ઘરોમાં તોડફોડ કરાતા આંતરરાષ્ટ્રીય મીડિયા જગતે પણ નોંધ લીધી હતી. આ ઘટના મોદીની બાંગ્લાદેશ મુલાકાત પહેલા ઘટી છે. તેથી બાંગ્લાદેશના પીએમ શેખ હસીનાની નીતિનો કેટલાક કટ્ટરપંથીઓ વિરોધ કરી રહ્યાનો તર્ક પણ લગાવાઈ રહ્યો છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે બાંગ્લાદેશના સુનામગંજના શલ્લા અપજિલામાં એક હિન્દુ ગામ પર બુધવારે હજારો હેફઝાત એ ઇસ્લામના સમર્થકોએ હુમલો કરીને ભારે આતંક મચાવ્યો હતો.
આ ઘટના પહેલાં એક હિન્દુ યુવકે બંગબંધુ શેખ મુજીબૂર રહેમાનની મુર્તિનો વિરોધ કરનારા હેફઝાત એ ઇસ્લામના મુફ્તી મામુલુન હકની ફેસબુક ઉપર પોસ્ટ લખીને ટીકા કરી હતી. જે બાદ વિવાદ વધી જતાં પોલીસ હરકતમાં આવી હતી. આ મામલે પોલીસે મંગળવારે યુવકની ધરપકડ પણ કરી લીધી હતી. જો કે, ઘટનાને પગલે બાંગ્લાદેશના કટ્ટરવાદી સંગઠન હેફઝાત એ ઇસ્લામના સમર્થકોમાં ભારે નારાજગી હતી.
તેથી સંગઠનના કેટલાક કાર્યકરોએ સુનામગંજના શલ્લા અપજિલા નામના ગામમાં તોફાન મચાવ્યું હતુ. ગામના હિન્દુ પરિવારો જીવ બચાવવા માટે ઘર છોડીને નાસી છૂટ્યા હતા. જે બાદ ટોળાએ ઘરો પર રોષ ઠાલવીને આશરે ૭૦-૮૦ ઘરમાં આગ ચાપી દેવાઈ હતી. તોફાનીઓએ ગામના અનેકઘરમાં તોડફોડ પણ કરી હતી. આ હુમલા પાછળ કાશીપુર, નચની, ચાંદીપુર અને અન્ય કેટલાક મુસ્લિમ બહુમત ધરાવતાં ગામના લોકોનો હાથ હોવાનું બહાર આવ્યું છે. પોલીસે આરોપીને શોધવા કાર્યવાહી હાથ ધરી છે. સુત્રોના જણાવ્યા મુજબ આ તોફાની ટોળાએ ઘર જ નહીં સ્થાનિક હિન્દુઓ સાથે પણ મારપીટ કરી હતી. જેને કારણે ગામમાં ભાગંભાગ મચી ગઈ હતી. પોલીસે આ ઘટનામાં ટોળાએ ૭૦-૮૦ ઘરોમાં તોડફોડ કરી હોવાની વાતને સમર્થન આપ્યું છે.