જમ્મુ-કાશ્મીરમાં 370ની કલમ દૂર થયા બાદ પણ આતંકી ગતિવિધિઓ પર સદંતર અંકુશ આવી શક્યો નથી. જમ્મુ કાશ્મીરમાં કેન્દ્ર સરકારે લાદેલા નિયંત્રણ દૂર થવા સાથે આતંકવાદ ધીમે ધીમે બેઠો થઈ રહ્યો છે. શ્રીનગરમાં 17 ફેબ્રુઆરીએ એક આતંકી હુમલો થયો હતો. જેમાં કૃષ્ણા ઢાબાનાં માલિકનાં પુત્ર આકાશ મહેતાને ગંભીર ઈજા થઈ હતી. દરમિયનમાં આકાશ મહેતાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતુ. 17મી ફેબ્રુઆરીએ કૃષ્ણા ઢાબામાં તેના માલિકનો પુત્ર આકાશ મહેતા બેઠો હતો. તે સમયે ત્યાં ધસી આવેલા ત્રણથી ચાર આતંકવાદીઓએ અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતુ. આ ઘટનામાં આકાશ મેહતાને ગંભીર ઈજા પહોંચી હતી. જેને કારણે તેને SMHSમાં સારવાર માટે ખસેડાયો હતો. આકાશ છેલ્લા 10 દિવસથી હોસ્પિટલમાં દાખલ હતો, જયાં તેની તબિયત દિવસે દિવસે વધુ કથળી રહી હતી. તેથી 3 દિવસથી તેને વેન્ટિલેટર પર રખાયો હતો. પરંતું રવિવારે તેની હાલત ખુબ જ ખરાબ થઇ ગઇ હતી. આકાશ પર થયેલા હુમલાની જવાબદારી આતંકી સંગઠન મુસ્લિમ જનાબ ફોર્સે લીધી હતી. આ ઘટનાને પગલે સમગ્ર શ્રીનગરમાં ભારે ચકચાર મચી ગઈ હતી. શ્રીનગર વિસ્તારમાં બનેલી આ ઘટનામાં ભોગ બનેલો આકાશ અને તેનો પરિવાર વિસ્તારમાં સારી નામના ધરાવે છે. આકાશના મોતથી સમગ્ર વિસ્તારમાં ગમગીની ફેલાઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ જમ્મુ કાશ્મીરના પુર્વ મુખ્ય પ્રધાન ઉમર અબ્દુલ્લાએ ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યું હતા. આ સાથે જ ઉમર અબ્દુલ્લાએ લખ્યું હતુ કે, આકાશનાં અવસાનની ઘટના જાણી મને દુખ પહોચ્યું છે, એક બહાદુર યુવક જિંદગી સામેનો જંગ હારી ગયો છે. અલ્લાહ તેના આત્માને શાંતિ આપે અને તેના પરિવારને આ મુશ્કેલીના સમયમાં દુખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના કરું છુ. ઘટના અંગે તપાસ કરનાર પોલીસે આકાશ પર ગોળી ચલાવનારા ત્રણેય આતંકવાદીઓની ધરપકડ કરી હતી. જેમાં સુહૈલ અહેમદ મીર (રહે નૌગામ), ઓવૈસ મંઝૂર સોફી (રહે. ડંગર પોરા) અને વિલાયત અઝીઝ મીરનો સમાવેશ થાય છે. આ આતંકીએ કબુલ્યું હતું કે તેમના સંગઠનનાં કમાન્ડર ગાઝીએ આકાશ પર હુમલો કરવા આદેશ કર્યો હતો. પર્યટન પ્રવૃતિઓને પ્રભાવિત કરી શકાય તે માટે આ હુમલો કરાયો હતો.