ઉત્તર પ્રદેશના લખનૌમાં છળકપટનો એક એવો કિસ્સો બહાર આવ્યો છે કે જેનાથી સૌકોઈ દંગ રહી જાય તેમ છે. અહીં જમીન હડપવા માટે ભગવાનને જ મૃત જાહેર કરી દેવાયા સાથે એક બોગસ પિતા પણ બની જઈ ઠગાઈ કરાતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. લખનૌમાં આવેલા મંદિરના ટ્રસ્ટીએ વર્ષ 2016માં તાલુકા વિકાસ અધિકારીને ફરિયાદ કરી હતી કે, ટ્રસ્ટની જમીન પચાવવા માટે કોઈ પેરવી કરી રહ્યું છે. જો કે, તે પછી કોઈ કાર્યવાહી નહીં થતાં મંદિરના ટ્રસ્ટીઓ વર્ષ 2018માં ઉત્તર પ્રદેશના ડેપ્યૂટી સીએમ દિનેશ શર્માને રુબરુમાં મળ્યા હતા. આ સમયે મંત્રી સમક્ષ મંદિરના ટ્રસ્ટીઓઓએ તેમના ટ્રસ્ટની મિલકત હડપવા માટે કોઈ પ્રયાસો કરી રહ્યાની વાત કહી હતી. ટ્રસ્ટીઓની વાત સાંભળ્યા બાદ ડેપ્યુટી સીએમ દિનેશ શર્માએ સમગ્ર મામલાને ગંભીરતાથી લીધો હતો. સાથે જ તપાસના આદેશ લખનૌના ડીએમને આપ્યા હતા.
યુપીના મોહનલાલગંજના કુશમૌરા હલુવાપુરની ઘટનામાં કાયદાકીય કાગળો પર એક સામાન્ય વ્યક્તિને ભગવાન કૃષ્ણ-રામના બનાવટી પિતા બનાવી દેવાયા હતા. ત્યારબાદ કૃષ્ણ-રામનું મૃત્યુ થઈ ગયાનું ચોપડે નોંધાવાયું હતુ. એટલે કાયદાકીય રીતે ટ્રસ્ટની જમીન કે જે કૃષ્ણ અને રામને નામે નોંધાયેલી હતી, તેના હકદાર મૃતકના પિતાને ગણવામાં આવે. મળતી વિગતો મુજબ જમીન એકત્રીકરણ દરમિયાન, મંદિરના દેવ-દેવો, જેમના નામે જમીન હતી, તે જ નામવાળા દસ્તાવેજોમાં માણસ તરીકે નામ નોંધી દેવાયા હતા. જે બાદ ટ્રસ્ટની જમીનને લઈને વિવાદ સર્જાયો હતો. ટ્રસ્ટ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં જણાવાયું હતુ કે, મોહનલાલગંજમાં જમીન રેકોર્ડ નંબર 138, 159 અને 2161, ભગવાન કૃષ્ણરામના નામે કુલ 0.730 હેક્ટર વિસ્તાર છે. 1987માં એકત્રીકરણ પ્રક્રિયા દરમિયાન, કૃષ્ણારામને મૃત બતાવવામાં આવ્યા હતા અને તેમના બનાવટી પિતા ગયા પ્રસાદને વારસદાર તરીકે ગણાવાયા હતા.
ત્યારબાદ 1991માં ગયાપ્રસાદને પણ મૃત બતાવી દેવાયા હતા. આ સાથે જ તેમના ભાઈઓ રામનાથ અને હરિદ્વારના નામ ખોટી રીતે નોંધાયા હતા. આ છેતરપિંડીના આધારે જમીન હડપી લેવામાં આવી હતી. ભગવાનને પહેલા મૃતક જાહેર કરવામાં આવ્યા અને પછી કાગળ બતાવીને મંદિરની જમીન હડપી લેવામાં આવી હતી. જો કે, યુપીના તત્કાલીન ઉપમુખ્ય મંત્રીએ કરેલા તપાસના આદેશ બાદ તંત્ર દ્વારા તપાસ થઈ હતી. કેસની તપાસ થતાં જ આખો ભાંડો ફુટી ગયો હતો. મંદિરની જમીન ભગવાન કૃષ્ણ અને રામના નામ પર બની હતી. આ મંદિર 100 વર્ષ જૂનું છે. પરંતુ ભેજાબાજોએ તો ભગવાનને સરકારી ચોપડે માણસ તરીકેની ઓળખ આપવામાં આવી હતી. કેટલાક લોકોએ હેરફેર કરીને એ જ નામથી કોઈ વ્યક્તિની દસ્તાવેજોમાં નોંધણી કરાવી હોવાનું બહાર આવતા જ તંત્રએ આ મામલે સરકારને અહેવાલ આપ્યો હતો.