ભારતમાં કેટલાક લોકો પોતાના નિવાસ સ્થાનો તો ઠીક પરંતુ વાહનો પર પણ પોતાની જાતિ લખવાનો ગર્વ અનુભવે છે. યુપી, બિહાર, રાજસ્થાનમાં આ ટ્રેન્ડ મોટાપાયે ચાલી રહ્યો છે. પરંતુ આ સાથે જ જાતિવાદની ભાવના પ્રબળ બનતી હોય, સરકાર હવે તેની સામે કાર્યવાહી કરવાના મુડમાં છે.
યુપીમાં સામાન્ય રીતે લોકો પોતાના વાહનોની નબર પ્લેટ સાથે કે અન્ય ભાગમાં જાટ, યાદવ, ગુર્જર, ક્ષત્રીય, રાજપૂત, પંડિત, મૌર્ય જેવી જાતિનો ઉલ્લેખ કરે છે. આ લોકો માને છે કે આમ લખવાથી તેમનો પ્રભાવ વધશે. પરંતુ આ બાબત જાતિવાદને પ્રોત્સાહન આપતી હોવાથી દેશની એકતા અને અખંડિતતા માટે ખતરારૃપ છે. તેથી યોગી સરકારે હવે આ મામલે લાલ આંખ કરવાનુ શરૃ કરી દીધું છે. ઉત્તર પ્રદેશમાં આ પ્રકારના વાહનો સામે કાર્યવાહી કરવાના આદેશો સરકારે કરી દીધા છે. ઉત્તર પ્રદેશની રાજનીતિ અને સામાજીક વ્યવસ્થામાં જાતીય સમીકરણ ખુબ જ મહત્વના માનવામાં આવે છે. કેન્દ્ર સરકારને ફરિયાદ મળી રહી હતી કે વાહનો ઉપર જાતિસૂચક સ્ટીકર લગાવવાનું ચલણ વધી રહ્યું છે. જેનો સાંકેતિક અર્થ એક કે બીજી જ્ઞાતિને નીચુ દેખાડવાનો પ્રયાસ છે. સભ્ય સમાજ માટે આ પ્રકારનું કૃત્ય અયોગ્ય છે. તેથી પીએમઓએ ઉત્તર પ્રદેશ સરકારને પત્ર લખીને આ પ્રકારની પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ લગાવવા નિર્દેશ આપ્યા હતા. પીએમઓનો પત્ર મળતા જ ઉત્તર પ્રદેશની યોગી સરકારે આ પ્રકારના વાહનો સામે દંડનીય કાર્યવાહીના હુકમો જારી કરી દીધા છે. સાથે જ તમામ જિલ્લાઓના પરિવહન અધિકારીઓને તેની નકલ મોકલી છે. યુપીમાં હવેથી જે વાહનો પર જાતિ લખાઈ હશે તેના વિરૂદ્ધ પોલીસ કે આરટીઓ આકરી કાર્યવાહી કરી શકશે. યોગી સરકારે ઉત્તરપ્રદેશમાં ફરત આ પ્રકારના વાહનોને જપ્ત કરવા સાથે વાહન પર પોતાની જાતિ લખીને ચલાવનારા વિરૂદ્ધ શિક્ષાત્મક કાર્યવાહીની જોગવાઈ કરી છે. પરિણામે હવે જાતિદર્શક સ્ટીકરવાળા વાહનો કબજે લેવાઈ શકે છે. ઉત્તર પ્રદેશ સરકાર શરૂઆતમાં લોકોને આમ કરતા અટકાવવા માટે જાગરૂકતા અભિયાન પણ ચલાવવાની તૈયારી કરી રહી છે.