ગુજરાતમાં તાજેતરમાં જ સરકારે વિધાનસભામાં રજૂ કરેલા રેપ અને મહિલા સાથે અત્યાચારના કિસ્સા ચિંતાજનક રહ્યા હતા. મોડલ ગુજરાતમાં જ સગીરા અને યુવતીઓ સાથે રેપની ઘટનાઓ પોલીસ ચોપડે નોંધાઈ રહી છે. હાલ વડોદરામાંથી એક સગીરા સાથે દુષ્કર્મ થયાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. ધોરણ. 12માં અભ્યાસ કરતી સગીરાએ લોકડાઉન દરમિયાન ઓનલાઈન અભ્યાસ કર્યો હતો. પરંતુ આ ઓનલાઈન અભ્યાસ દરમિયાન જ તેના પરિચયમાં આવેલા યુવકે તેની લાજ લૂંટી લીધી છે. ગોત્રી રોડ ઉપર આવેલા બી-17 અમરનાથ સોસાયટીમાં રહેતા 23 વર્ષીય વિશાલ લક્ષ્મણભાઇ પરમાર લોકડાઉનના સમયગાળામાં સગીરાના સંપર્કમાં આવ્યો હતો. જેથી બંને વચ્ચે પરિચય થયો હતો. ધીમે ધીમે બંને વચ્ચે મિત્રતા પણ બંધાઈ હતી. દરમિયાન એક દિવસ બપોરે સગીરાને વિશાલે ફોન કરીને વડોદરાના ચકલી સર્કલ પાસે બોલાવી હતી. જે બાદ વિશાલ તે સગીરાનું અપહરણ કરીને મિત્રના ઘરે લઈ ગયો હતો. આ સાથે જ સગીરા ગભરાય ગઈ હતી. તેણે પ્રતિકાર કરવા કોશિષ કરી તો સામેથી ધમકી મળી હતી. જે બાદ વિશાલે તે સગીરા સાથે બે વખત દુષ્કર્મ આચર્યું હતું. જો કે, સગીરાએ આ વિશે ઘરમાં કોઈને વાત કરી ન હતી. પરંતુ સગીરાની માતાને શંકા જતાં તેણે સગીરાનો મોબાઈલ ફોન તપાસ્યો હતો. જેમાં મેસેજ ચેક કરતા વિશાલની કરતૂતનો ભાંડો ફુટી ગયો હતો. માતાએ સગીરાને પટાવી ફોસલાવી પૂછપરછ કરી હતી. આ સમયે સગીરાએ વિશાલ પરમારના કૃત્ય અંગે માતા સમક્ષ જાણકારી આપી હતી. આખરે સગીરાની માતાએ ગોત્રી પોલીસ સ્ટેશનમાં વિશાલ પરમાર વિરુધ્ધ ફરિયાદ નોંધાવી હતી. વિશાલ પંજાબ નેશનલ બેંકમાં પટ્ટાવાળા તરીકે નોકરી કરે છે. પોલીસે વિશાલ સગીરાનું જે બાઇક પર અપહરણ કરી ગયો હતો, તે બાઇક પણ કબજે કર્યુ છે. પોલીસે વિશાલ અને સગીરા વચ્ચે સંબંધો અંગેની પણ તપાસ થઈ રહી છે. વિશાલ તે સગીરાને બ્લેકમેઇલ કરીને લઇ ગયો હતો કે પછી ધાકધમકી આપીને લઇ ગયો હતો તે સવાલનો જવાબ મેળવવા પણ પોલીસ પ્રયાસો કરી રહી છે. ઘટના અંગે પોલીસે પોસ્કોનો ગુનો દાખલ કરી વિશાલની અટકાયત કરી લીધી છે.