અમદાવાદમાં થયેલા ગમખ્વાર અકસ્માત બાદ હવે વડોદરામાં પણ ગઈકાલે રાત્રે એક અકસ્માતની ઘટના સામે આવી હતી. વડોદરા શહેરના પંડ્યા બ્રિજ પરથી પૂરપાટ ઝડપે કાર હંકારી રહેલા યુવકે કારને ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ લેબોરેટરીની કમ્પાઉન્ડ વોલ સાથે અથડાવી દીધી હતી. આ અકસ્માતમાં કાર ચાલકનું યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું અને કારમાં બેઠેલા અન્ય યુવકને ગંભીર ઇજા પહોંચી હતી. હાલ તેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
મળતી માહિતી મુજબ, ગુંજન જીજ્ઞેશભાઈ સ્વામી અને તેનો મિત્ર અર્જુનસિંહ ઠાકુર રાત્રીના બે વાગ્યે કારમાં પોતાના ઘરે જઈ રહ્યા હતા. ત્યારે પંડ્યા બ્રિજ પર કાર પૂરપાટ ઝડપે દોડી રહી હતી. જેના કારણે કાર પર કંટ્રોલ ન થઈ શક્યો અને કાર ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલની કમ્પાઉન્ડ વોલમાં ઘુસી ગઈ. જેના કારણે કમ્પાઉન્ડ વોલ ધરાશાયી થઈ હતી. આ ઘટનામાં ડ્રાઈવર ગુંજન સ્વામી ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તેમની સાથે કારમાં બેઠેલા અન્ય યુવકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.