વલસાડ નજીક હાઇવે પર કોન્સ્ટેબલ ખાનગી કાર બેફામ હંકારતા વીજ કંપનીના થાંભલા સાથે ઘડામ ભટકાવી દેતા સ્થાનિક લોકોનો જીવ જોખમમાં મૂક્યો હતો. થાંભલાને તો નુકસાન થયું હતું સાથોસાથ કારને પણ ભારે નુકસાન થયું હતું. બેફામ કાર હંકારતા કોન્સટેબલની સાથે કારમાં સવાર ચરી ગામના ફોલ્ડરિયા સામે પણ સ્થાનિક લોકોએ નારાજગી વ્યક્ત કરી છે. આજ કોન્સ્ટેબલ અન્ય ફોલ્ડરિયાઓ વલસાડ-અટગામના ભોયાવાડમાં પણ સ્કોર્પિયો કાર ઘરના આંગણામાં ધુસાડી દઇ પાર્કિંગ કર ત્રણ જેટલી મોટર સાયકલને અડફેટે લેતા ત્યાં પણ પરિવારમાં ભયનો માહોલ સર્જાયો હતો.
ઘટના સ્થળેથી પ્રાપ્ત વિગત મુજબ સવારના સમયે ચીખલી તાલુકાના ધેજ ગામે ચીખલી અટગામ માર્ગ ઉપર ડુંગરી પોલીસ મથકના કોન્સ્ટેબલ તેના કબજાની મારૂતિ સ્વીફ્ટ કાર જેનો નંબર જીજે-05-જેકયું-7149 દારૂના કે અન્ય કોઇ વાહનનો પીછો કરતા પુરપાટ ઝડપે બેફામ રીતે હંકારી રહ્યા હતા. આ દરમિયાન સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા કાર વીજ કંપનીના થાંભલા સાથે અથડાઇ જતાં વીજલાઈન તૂટી પડી હતી. આ અથડામણ બાદમાં કાર પલટી ગઇ હતી. ત્યાંથી પસાર થતા લોકોના જીવ તાળવે ચોંટયા હતા અને આ દરમિયાન કારમાં સવાર કોન્સ્ટેબલનો ચરી ગામનો મિલન નામનો ફોલ્ડર પણ ફરાર થઈ ગયો હતો.
આ બનાવને પગલે સ્થાનિકોમાં રોષ ફેલાઇ જવા પામ્યો હતો બાદમાં સ્થળ પર ખેરગામ પી.એસ.આઇ એસએસ માલ આવીને પરિસ્થિતિ સંભાળી હતી અને કોન્સ્ટેબલને ખેરગામ રવાના કર્યો હતો. જોકે સ્થાનિક આગેવાનો અને ટોળાએ બેફામ કાર હંકારી અન્ય લોકોના જીવને જોખમમાં મૂકવાનું કૃત્ય માટે જવાબદાર આ કોન્સ્ટેબલ અને તેનો ચરી ગામનો ફોલ્ડરિયા સામે ગુનો નોંધવાની માંગ કરી હતી. ધેજના જાગૃત નાગરિકો દ્વારા પોલીસ મથકે લેખિત રજૂઆત પણ કરાઇ હતી. જો કે ખેરગામ પોલીસે હજી સુધી કોઈ ગુનો નોંધ્યો ન હતો.
આ સાથે આ બનાવના સ્થળેથી અંદાજે ત્રણેક કી.મી દુર વલસાડ-અટગામના ભોયાવાડ સ્થિત ધીરુભાઈ માળીના ઘર પાસે આજ કોન્સ્ટેબલના ત્રણ જેટલા ફોલ્ડરયા સવાર હતા તે સ્કોર્પિયો કાર ઘરના આંગણા માં મુકેલ ત્રણ જેટલી મોટરસાયકલને અડફેટમાં લીધા હતા ત્યાં પણ હાજર લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો ત્યાં પણ સો નંબર પર જાણ કરાતા વલસાડ રૂરલ પોલીસનો સ્ટાફ ધસી આવ્યો હતો. આ ઘટનાના પડઘાં જિલ્લા પોલીસમાં પણ પડ્યા છે. પોલીસ અધિક્ષકે તમામ પોલીસ સ્ટેશન ઇન્ચાર્જને પોતાનું ખાનગી વાહન ન વાપરવા માટે આદેશ આપ્યા હતા. આ આદેશનો એક ઓડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.