કિસાન આંદોલનને કારણે મુસીબતમાં મુકાયેલી મોદી સરકારે આ સિઝનમાં ખાંડની નિકાસ પર સબસિડી આપવાનો નિર્ણય કર્યો છે. બુધવારે કેબિનેટની બેઠકમાં લેવાયેલા આ મહત્વપૂર્ણ નિર્ણય બાદ હવે ખેડૂતોને સીધી સબસિડી મળશે. આ સિવાય ટેલિકોમ સ્પેક્ટ્રમની હરાજી કરવા નિર્ણય કરાયો છે.
કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે પ્રેસ કોન્ફરન્સમાં વિગતો આપતા જણાવ્યું હતું કે, સરકારે આ વર્ષે 60 લાખ ટન ખાંડની નિકાસ પર સબસિડી આપવા નિર્ણય લીધો છે. સબસીડી આ રકમ સીધી જ ખેડૂતોના ખાતામાં જમા થશે.
એક અંદાજ મુજબ લગભગ 26800 કરોડ રૂપિયાની સબસિડી આપવામાં આવનાર છે. અગાઉ જાહેર કરેલી સબસિડીમાં રૂ 5,361 કરોડ ખેડૂતના બેંક ખાતામાં જમા થશે અને આ પછી 3500 કરોડની સબસિડી અપાશે. જે બાદ 18,000 કરોડની સબસિડી નિકાસ બાદ સીધા જ ખેડૂતોના ખાતામાં જમા થઈ જશે. તેથી 5 કરોડ ખેડુતોને ફાયદો થનાર છે. સુગર મીલ સાથે સંકળાયેલા 5 લાખ મજૂરોને પણ આ યોજનાથી ફાયદો થશે. આ વર્ષે ખાંડનો વપરાશ આશરે 260 લાખ ટન અને ઉત્પાદન 310 લાખ ટન થવાનો અંદાજો છે. સપ્ટેમ્બરમાં સમાપ્ત થયેલી છેલ્લી સીઝનમાં આપવામાં આવતી સબસિડીને કારણે સુગર મિલોએ રેકોર્ડ 57 લાખ ટનની નિકાસ કરી હતી. ઓલ ઇન્ડિયા સુગર ટ્રેડર્સ એસોસિએશને કહ્યું કે ચાલુ સીઝનમાં સબસિડીની જાહેરાત નહીં થવાને કારણે નિકાસ ધીમી પડી છે.
આ ઉપરાંત કેબિનેટના અન્ય એક નિર્ણય અંગે સંચાર મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું હતુ કે સરકારે સ્પેક્ટ્રમની હરાજી કરવાનો નિર્ણય લીધો છે. 2251 મેગાહર્ટઝના કુલ સ્પેક્ટ્રમની હરાજી કરાશે. ચાલુ મહિને અરજી મંગાવ્યા પછી નોટિસ પ્રક્રિયા પૂર્ણ કરાશે. જે બાદ માર્ચ-2021માં હરાજી કરી દેવાશે. તેના નિયમો અને શરતો સમાન હશે, જે વર્ષ 2016માં હતા. સ્પેક્ટ્રમની હરાજીથી અંદાજે 4 લાખ કરોડ રૂપિયા મળવાની સરકારને આશા છે. અગાઉ ચાર વર્ષ પહેલાં સ્પેક્ટ્રમની ફાળવણી થઈ હતી. આ સિવાય રાષ્ટ્રીય સુરક્ષાની દ્રષ્ટિએ ટેલિકમ્યુનિકેશન ક્ષેત્રના રાષ્ટ્રીય સુરક્ષા નિયામકની સ્થાપના કરાશે.