સંયુક્ત રાષ્ટ્ર સંઘના બેઠકમાં ભારતે ફરી એકવાર આતંકવાદ અને સરહદે થતાં અટકચાળા સામે કડક વલણ દાખવવાની સ્પષ્ટતા દુનિયા સમક્ષ કરી હતી. ભારતે બેઠકમાં કહ્યું હતુ કે, અન્ય દેશના નૉન સ્ટેટ એક્ટર્સ તરફથી જો સશસ્ત્ર હુમલાનું આયોજન થયું હોય, અને ભારતને તેની જાણ થાય તો તે પહેલાથી જ હુમલો કરવા સક્ષમ છે.
પુલવામા સહિત અનેક આતંકવાદી હુમલાનો ઉલ્લેખ કરતા ભારતે પાડોશી દેશની જમીન પર થતી ગતિવિધિ વિશે પણ ફોડ પાડ્યો હતો. ભારતના ઉપ સ્થાયી પ્રતિનિધિ રાજદ્વારી કે. નાગરાજ નાયડૂએ મેક્સિકો દ્વારા આયોજિત ‘અરિયા ફૉર્મ્યુલા’ બેઠકમાં કહ્યું હતુ કે, બિન રાજ્યો, દેશ કે પ્રદેશના તત્વો અથવા તો આતંકવાદી સંગઠન ભારતના સરહીય વિસ્તારોને અવાર-નવાર નિશાન બનાવતા રહે છે. આવા સંજોગોમાં આત્મરક્ષા કે પ્રતિકાર કરવાનો દરેકને અધિકાર છે. દુનિયાના મોટાભાગના દેશ આમ જ માને છે.
આથી કોઈ અસામાજિક તત્વો કે દેશવિરોધી પરિબળો સામે બળપ્રયોગ કરવાની ભારતને છુટ છે. કેટલાક તત્વો દેશની વિરુદ્ધ સતત હુમલા કર્યા છે, જો તેને સમર્થન આપી રહેલો દેશ પણ કોઈ પગલા નહી લે તો ભારત તે માટે કોઈ નરમાશ દાખવશે નહીં,.
ભારતના ઉપ સ્થાયી પ્રતિનિધિ રાજદ્વારી કે. નાગરાજ નાયડૂએ વધુમાં જણાવ્યું હતુ કે, પ્લાનિંગ દ્વારા કરાતા હુમલાને રોકવા માટે ગુપ્ત માહિતીને આધારે ભારત પહેલા જ હુમલો કરી શકે છે. આતંકવાદી હુમલાને રોકવા માટે આ હુમલાને ભારત આત્મરક્ષાનું પગલું ગણે છે. એરિયા ફૉર્મ્યુલા બેઠકમાં આંતરરાષ્ટ્રીય કાયદાનું પાલન કરવા ભારત સમંત છે તેવી સ્પષ્ટતા પણ તેમણે કરી હતી. તેમણે કહ્યું કે, સંયુક્ત રાષ્ટ્રના પ્રસ્તાવ 1368 (2001) અને 1373 (2001)એ ઔપચારિક રીતે આ પક્ષ રાખ્યો છે કે આતંકવાદી હુમલાને રોકવા માટે આત્મરક્ષાનું પગલું ઉઠાવવામાં કોઈને વાંધો કે વિરોધ હોઈ શકે નહીં.