કોરોનાની બીજી વેવ ભારત માટે ખૂબ જ મુશ્કેલ રહી છે. એક જ દિવસમાં ચાર લાખ લોકો સંક્રમિત થયા એ દુનિયાનો સૌથી મોટો સંક્રમિતોનો આંકડો છે. એ સાથે જ ઓક્સિજનથી માંડીને રેમડેસિવિરની અછત પણ ભારતમાં ખૂબ પડી. આ કપરા સંજોગોમાં જ્યાં વસ્તી વધુ હોય એવા દેશમાં આ તમામ સુવિધા સહજ કરવી મુશ્કેલ તો હોય જ છે. એ સ્થિતિમાં ભારતને મદદ કરવા માટે અમેરિકા જેવી મહાસત્તાથી માંડીને પડોશી બાંગ્લાદેશ જેવા તમામ દેશો તૈયાર થયા છે અને મદદનો પ્રવાહ ભારત આવી રહ્યો છે. છેલ્લા ચોવીસ કલાકમાં અનેક મદદ આવી છે, ત્યારે કોણે શી મદદ કરીએ જાણવું તમને ગમશે.
કોરોનાના એપીસેન્ટર બની ગયેલા ભારત માટે દુનિયાના ઘણા દેશો મદદ મોકલવાની રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં ભારતને હોંગકોંગથી 300 ઓક્સિજન કન્સટ્રેટર અને અન્ય મેડિકલ ઉપકરણો ઇન્ડિગોની ફ્લાઇટમાં આવ્યા છે. એ પહેલાં ઇન્ડિયન એરફોર્સ સી 17 વિમાન વડે સિંગાપોરથી 3 ઓક્સિજન કન્ટેનર્સ સિંગાપુરથી ભારત લાવ્યું હતું. ગુરૂવારે અમેરિકાના મીયામીથી 600 ઓક્સિજન કન્સન્ટ્રેટર ભારત આવ્યા હતા. સ્પાઇસ એક્સપ્રેસ ફ્લાઇટમાં તે દિલ્હી લવાયા હતા. ગયા વર્ષે કોરોના ફાટી નીકળ્યો ત્યારે ભારત સાથે સરહદી વિવાદ ઊભું કરનારૂં ચીન પણ આ વખતે ડાહ્યું ડમરૂં થઇને ભારતને મદદ કરવા આગળ આવ્યું છે. ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ ભારતીય વિદેશ મંત્રી જયશંકરને પત્ર લખીને સંભવિત તમામ મદદ કરવાની દરખાસ્ત કરી છે. ભારતને અત્યાર સુધીમાં 40 દેશોએ મદદ કરવા ઓફર કરી છે. 2004માં સુનામી આવ્યા બાદ પહેલી વખત ભારત વિદેશમાંથી મદદ લઇ રહ્યું છે. કોરોનાની મહામારીને પહોંચી વળવા માટે જાપાને ભારતને 300 ઓક્સિજન કન્સન્ટ્રેટર અને 300 વેન્ટિલેટર આપવાની જાહેરાત કરી છે.