અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટી -20 શ્રેણીની પહેલી મેચ રમાઇ હતી. જેમાં ઇંગ્લેન્ડનો 8 વિકેટે શાનદાર વિજય થવા સાથે જ ભારતને પછડાટ ખાવો પડ્યો હતો. મેદાનમાં ઉતરેલી ભારતીય ટીમે સૌપ્રથમ બેટીંગનો નિર્ણય કર્યો હતો. જેમાં 20 ઑવરમાં 7 વિકેટે ફક્ત 124 રન થયા હતા. જેના જવાબમાં ઇંગ્લેન્ડની ટીમે જેસન રૉયના ધમાકેદાર 49 અને બટલરના 28 રનની મદદથી વિજય માટેનો લક્ષ્યાંક પાર પાડ્યો હતો. પ્રથમ મેચમાં જ ભારતનું બેટિંગ પ્રદર્શન અત્યંત નબળુ રહ્યુ હતુ. માત્ર 20 રનમાં જ ભારતીય ટીમની ત્રણ વિકેટ પડી ગઈ હતી. સૌથી મહત્વની વાત તો એ હતી કે ટી 20 સીરીઝની પહેલી મેચ હોવાથી દર્શકોને કેપ્ટન વિરાટ કોહલી પાસે ખાસ અપેક્ષા હતી. પરંતુ તે શૂન્ય રને જ આઉટ થઈ ગયો હતો. આદિલ રશીદની ઑવરમાં ક્રિસ જોર્ડને કેચ પકડતા કોહલીએ પેવેલિયન ભેગું થવું પડ્યું હતુ. 2021માં કોહલી શૂન્ય રને આઉટ થયો હોય તેવો આ બીજો કિસ્સો છે.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કોહલી પ્રથમ વખત સતત બીજી વાર શૂન્ય રને આઉટ થતાં દર્શકો હતાશ થયા હતા. આ પહેલા ટેસ્ટ સિરીઝની ચોથી અને છેલ્લી મેચમાં કોહલી કોઈ પણ સારા દેખાવ વગર અને કોઈપણ રન કર્યા વગર આઉટ થયો હતો. જયારે ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આ પ્રકારની ઘટના ત્રીજી વખતની છે. કોહલીના શુક્રવારના નબળા પ્રદર્શનને કારણે તેની સોશિયલ મીડિયામાં ટીકા થઈ રહી છે. કારણ કે આ વખતે તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની 475મી ઇનિંગ હતી. આ પહેલા આ જ ચાર મેચની ટેસ્ટ શ્રેણીની છેલ્લી ટેસ્ટની બીજી ઇનિંગમાં તે ખાતું ખોલાવ્યા વિના પેવેલિયન પરત ફર્યો હતો. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કેપ્ટન તરીકે 14 વખત શૂન્ય રને આઉટ થનારમાં હવે કોહલીનું નામ લખાયું છે. પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલી 13 વખત ખાતું ખોલાવ્યા વગર આઉટ થયા હતા. એટલે કોહલી હવે ભારતીય ટીમના શૂન્ય રને આઉટ થનારા કેપ્ટનની યાદીમાં પણ પ્રથમ સ્થાને પહોંચ્યો છે.