ભારતમાં કોરોનાએ મારેલા ફુફાંડાને કારણે સરકાર અને પ્રજા બંનેની ઉંઘ હરામ થઈ ગઈ છે. છેલ્લાં 10 દિવસથી વિવિધ રાજ્યોમાં કોરોનાના કેસમાં ભારે ઉછાળો આવ્યો છે. શુક્રવારે પણ દેશમાં 35 હજારથી વધારે નવા કેસ નોંધાયા હતા. આ જ દરમિયાન 172 લોકોના કોરોનાને કારણે મોત થયા હતા. તેથી ભારતમાં નિષ્ણાતો અને તબીબો પણ ચિંતામાં મુકાયા છે. ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિયૂટ ઓફ મેડિકલ સાયન્સના ડિરેકટર ડો. રણદીપ ગુલેરીયાએ કહ્યું હતુ કે, ભારતમાં હવે કોરોના મહામારીનો બીજો તબક્કો શરૂ થઈ શકે છે. વાયરસનું સંક્રમણ રોકવા માટે વેકસિનેશનની ઝડપ વધારવા સાથે માર્ગદર્શિકાનું કડકાઈ સાથે પાલન થવું આવશ્યક છે. લોકો એવું માનીને ચાલી રહ્યા હતા કે મહામારી ખતમ થઇ ચૂકી છે એટલે નિયમોનું પાલન કરતા નહોતા.
તેથી કેસમાં વધારો આવ્યો છે. કેટલાંક એવા સ્ટ્રેન દેખાયા છે જે જોખમી છે. ડોકટર રણદીપ ગુલેરિયાએ મીડિયા સમક્ષ કહ્યું હતું કે, દેશમાં વધી રહેલા કોરોનાના કેસ ચિંતાજનક છે. હવે જેમને ગંભીર રોગો છે એવા લોકોને રસી આપવી પડશે. જેથી મોતના આંકડામાં ઘટાડો થઈ શકે. ભારતમાં દરરોજ 50 લાખ ડોઝની જરૂરીયાત છે. આ ઉપરાંત રસીકરણ માટે સરકારે અને સ્વૈચ્છિક સંસ્થાઓએ જાગૃતતા અભિયાન ચલાવવું પડશે. ગ્રામીણ વિસ્તારોમાં આ અભિયાનની ખાસ આવશ્યકતા છે. હજુ સુધી સ્થિતિ બેકાબુ થઇ નથી, આપણે ગયા વર્ષે જે પાઠ શીખ્યા હતા તેને જ ફરી અપનાવવાના છે.
ટેસ્ટિંગ, ટ્રેકીંગ અને આઇસોલેશન માટે વિવિધ પ્રદેશોના સત્તાધીશો અને આરોગ્ય તંત્ર ગંભીરતાથી કામ કરે તે જરૃરી છે. વૃદ્ધ લોકોને વેકસીનેશન સેન્ટર પર લાવીને વેકસીનેશન માટે ખાસ આયોજન થવું જોઈએ. એસ્ટ્રાજેનેકાની વેકસીન અંગે ડોકટર ગુલેરિયાએ કહ્યું હતું કે, યુરોપ અને બ્રિટનમાં અત્યાર સુધીમાં 7 કરોડ લોકોએ રસીના ડોઝ લઈ લીધા છે. જેમાં કોવિશીલ્ડ વેકસીન લેનારાની સંખ્યા મોટી છે. ત્યાં લોહી ગંઠાઇ જવાના કોઇ કેસ આવ્યા નથી.