આંતરરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ દ્વારા ટી-20 વર્લ્ડ કપ ટૂર્નામેન્ટની તૈયારી શરુ કરાઈ છે. ગત રોજ ICCએ T-20 વર્લ્ડ કપ સ્પર્ધા માટે ગ્રૂપની રચના કરી છે. શુક્રવારે ઓમાનમાં ટૂર્નામેન્ટ માટેના ગ્રૂપ નક્કી કરવામાં આવ્યા હતા. જેમાં ભારત અને પાકિસ્તાન એક જ ગ્રુપમા આવતાં હવે બે વર્ષ બાદ બંને ટીમ વચ્ચે જંગ જામશે. આગામી ટુર્નામેન્ટ 2016 બાદ પહેલી ટી20 વર્લ્ડ કપ હશે. છેલ્લી ટૂર્નામેન્ટ વેસ્ટીઇન્ડીઝે ઇંગ્લેન્ડને હરાવીને ખિતાબ જીત્યો હતો. ભારતે સુપર-10ના ગ્રૂપ મુકાબલામાં પાકિસ્તાનને 6 વિકેટથી માત આપી હતી. સેમીફાઇનલમાં ભારતનો વિન્ડીઝ સામે પરાજ્ય થયો હતો.
કોરોના મહામારીના લીધે ટી-20 વર્લ્ડ કપ 17 ઑક્ટોબરથી 14 નવેમ્બર વચ્ચે ભારતને બદલે યુએઇ અને ઓમાન ખાતે યોજવાની કવાયત શરુ કરાઈ છે. શુક્રવારે આ માટે પહેલા તબક્કાની તૈયારીમાં ઓમાનમાં સમારંભ યોજાયો હતો. જેમાં આઇસીસીના અધિકારીઓ સાથે BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલી અને સચિવ જય શાહ પણ હાજર રહ્યા હતા. જે બાદ T 20 વર્લ્ડ કપ માટે બે જુદા જુદા ગ્રુપની રચના કરાઈ હતી. જેમાં ગ્રુપ એકમાં ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા, વેસ્ટઇન્ડીઝની ટીમ આવી હતી. જયારે ગ્રુપ 2માં ભારત, પાકિસ્તાન, ન્યૂઝીલેન્ડ તથા અફઘાનિસ્તાનની ટીમ આવી હતી.
ટુર્નામેન્ટના પહેલાં તબક્કામાં 8 ક્વોલિફાઇંગ ટીમો ભાગ લેશે, આ તમામ મેચ ઓમાન અને યુએઇમાં રમશે. તેમાંથી ચાર ટીમો સુપર 12માં પહોંચશે. પ્રારંભિક દોરમાં 8 ટીમો બાંગ્લાદેશ, શ્રીલંકા, આયરલેન્ડ, નેધરલેન્ડ, સ્કોટલેન્ડ, નામીબિયા, ઓમાન અને પાપુઆ ન્યુ ગિની સામેલ છે. ટુર્નામેન્ટની ફાઇનલ 14 નવેમ્બરના રોજ રમાશે.
જો કે, હવે મેચ શેડ્યુલ આવતા સપ્તાહે ચાલુ થવાની સંભાવના છે. ભારત પોતાના 4 હરીફોમાં પાકિસ્તાનની ટીમ સામે પણ ઝઝુમવાનું છે. કારણ કે, પાકિસ્તાનની ટીમ આ વખતે ભારત સાથેના ગ્રુપ-2માં છે. આ બંને ટીમો છેલ્લે 2019ના વનડે વર્લ્ડ કપમાં એકબીજા સામે મેદાનમાં ઉતરી હતી. જેમાં ભારતે બાજી મારી હતી.