ફરીથી જાણે કોરોના પાગલ થયો હોય એમ અનેક લોકોને સંક્રમિત કરવા માંડ્યો છે. કોરોના કયા કારણસર ફેલાયો તે વિવાદને બાજુએ મૂકીએ તો અત્યારે કડવું સત્ય એ છે કે દેશમાં કોરોનાના કેસો ફરી વધવા માંડ્યા છે. દરરોજ નવા કેસો આવી રહ્યા છે, તેની સંખ્યાની દ્રષ્ટિએ અત્યારે કોરોનાના સૌથી વધુ દર્દીઓ ધરાવતા દેશોમાં ભારત ત્રીજા ક્રમે પહોંચી ગયું છે.
સતત ચોથા દિવસે દેશમાં કોરોનાના નવા કેસોનો આંકડો 40000 ઉપર પહોંચ્યો છે. ભારતમાં દરરોજ વધુ કેસો નોંધાઇ રહ્યો છે. વિશ્વ આરોગ્ય સંગઠન દ્વારા એકત્ર કરાતા આંકડા ઉપર નજર કરીએ તો જણાશે કે બ્રાઝીલ અને અમેરિકા પછી ભારત દુનિયામાં એવો ત્રીજો દેશ છે, જ્યાં દરરોજ કોરોનાના વધુ કેસો નોંધાઇ રહ્યા છે. યાદ રહે કે ગઇ કાલે એટલે કે 22 માર્ચે બ્રાઝીલમાં એક જ દિવસમાં કોરોનાના નવા 79069 કેસો નોંધાયા હતા. જ્યારે અમેરિકામાં 22 માર્ચે એક જ દિવસમાં કોરોનાના નવા 60228 કેસો નોંધાયા હતા. યાદ રહે કે ભારતમાં પણ 22 માર્ચે એક જ દિવસમાં કોરોનાના નવા 46951 કેસો નોંધાયા હતા.
યાદ રહે કે ભારતમાં છેલ્લા પાંચેક દિવસથી કોરોનાના નવા કેસોમાં ઉછાળો આવી રહ્યો છે. 19 માર્ચથી ભારત દુનિયામાં કોરોનાના વધુ કેસો નોંધાવતો ત્રીજો દેશ બન્યો હતો. ભારતમાં નવ રાજ્યો એવા છે, જ્યાં જાન્યુઆરી કે તે પહેલાંના એક દિવસના વધુ કેસોનો રેકોર્ડ માર્ચમાં તુટ્યો છે. ગુજરાતમાં પણ એક જ દિવસમાં 1640 કેસો નવા નોંધાયા છે, તો છત્તીસગઢમાં એક જ દિવસમાં કોરોનાના નવા કેસોની સંખ્યા 1525 ઉપર પહોંચી છે, જ્યારે મધ્યપ્રદેશમાં 1348, દિલ્હીમાં 888 અને હિમાચલ પ્રદેશમાં 200 નવા કેસો નોંધાયા હતા. તામિલનાડુમાં પણ 14 ડિસેમ્બર પછી પહેલી વખત વધુ કેસ 22 માર્ચે નોંધાયા હતા અને એ એક જ દિવસમાં તામિલનાડુમાં કોરોનાના નવા 1385 કેસ નોંધાયા હતા. રાજસ્થાનમાં જાન્યુઆરી બાદ પહેલી વખત વધુ કેસ 602 નોંધાયા હતા. ભારતમાં હવે ફરીથી સતત કોરોનાના નવા કેસોમાં વધારો થઇ રહ્યો છે.