કોરોના સામે જંગ લડી રહેલી દુનિયાની મદદ માટે ભારત આગળ આવ્યું છે. અત્યાર સુધીમાં ભારતે નેપાળ, બાંગ્લાદેશ, ભૂટાન, માલદીવ્સ, સેશલ્સ, મ્યાંમાર, અને મોરિશ્યસમાં કોરોના વેક્સિનના ડોઝ મોકલ્યા હતા. જયારે કેટલાક સમયથી સાઉદી અરબ, દક્ષિણ આફ્રિકા, બ્રાઝીલ અને મોરક્કો સહિત ઘણા અન્ય દેશોમા કોરોના વેક્સિન મોકલવાનું ચાલુ રહ્યું છે. દરમિયાન ભારતે અફઘાનિસ્તાન અને કેરેબિયન દેશ બારબાડોસ અને ડોમિનિકાને કોરોના વેક્સિનનો પહેલો જથ્થો મોકલ્યો છે. એર ઇન્ડિયાના સ્પેશ્યલ પ્લેનમાં એસ્ટ્રાજેનેકા વેક્સિનના પાંચ લાખ ડોઝ રવિવારે મુંબઇથી દિલ્હી અને ત્યારબાદ કાબુલ મોકલાયા હતા. સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાની કોવિશિલ્ડ વેક્સિનના એક-એક લાખના ડોઝ બારબાડોસ અને ડોમિનિકા મોકલાયા છે. રસીનો જથ્થો અફઘાનિસ્તાન પહોંચતા જ ભારતના વિદેશમંત્રી એસ. જયશંકરે આ વિશે ટ્વિટ કરતા લખ્યું હતુ કે, ‘આપણે હંમેશા મિત્રો સાથે ઉભા રહીએ છીએ. માનવતાના ધોરણે મદદ કરતા ભારતે આ સહાય કરી છે. બીજી તરફ વેક્સિનનો જથ્થો પહોંચતા જ અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ મહેલએ પણ ટ્વિટ કરી હતી. જેમાં રાષ્ટ્રપતિ અશરફ ગનીએ ભારત દ્વારા સમય પર સહાયતા કરાય હોવાથી આભાર વ્યક્ત કરાયો હતો.
ભારતમાંથી મોકલાયેલી રસીના જથ્થામાંથી હવે આફઘાનિસ્તાનમાં પ્રથમ તબકકે સુરક્ષાદળો, સ્વાસ્થ્ય કાર્યકર્તાઓ સહિતના તમામ કોરોના વોરિયરને રસી આપવાની જાહેરાત કરાઈ હતી. સ્વાસ્થ્ય મંત્રી વાહીદ મજરોહે કાબુલ સ્થિત ભારતીય દૂતાવાસના પ્રભારી રઘુરામ એસ પાસેથી આ રસીનો જથ્થો મેળવ્યો હતો. આ ઉપરાંત પોપ સિંગર રિહાનાના દેશ બારબાડોસ ખાતે પણ પણ ભારતે એક લાખ રસીના ડોઝ મોકલ્યા હતા. રસી મળ્યા બાદ બારબાડોસના વડાપ્રધાન મિઆ મોટલીએ ભારત સરકાર અને લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંબોધિત એક પત્રમાં લખ્યું કે – મને વિશ્વાસ છે કે તમે સારી રીતે સુરક્ષિત છો. મારી સરકાર અને અમારા દેશના લોકો તરફથી હું તમારી સરકાર અને ભારતીયો પ્રત્યે કૃતજ્ઞતા વ્યકત કરું છુ. દરમિયાન ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે હેશટેગ ‘વેક્સિન મૈત્રી જારી છે’ સાથે ટ્વિટ કરીને લખ્યું હતુ કે, ભારતે કોવિડની વેક્સિન બારબાડોસ અને રાષ્ટ્રમંડલ દેશ ડોમિનિકાને મોકલી છે. બારબાડોસને એક લાખ ડોઝ મોકલાયા છે.