જૂન 2019માં પીંગોગમાં ભારતીય જવાનો સાથે ચીની સૈનીકોએ કરેલા ઘર્ષણ બાદ બે દેશ વચ્ચે સતત વિવાદ વધતો રહ્યો છે. કુટનૈતીક સ્તરે બંને દેશ શાંતિ માટે પ્રયાસો કરે છે. પરંતુ ચીન તેની વિસ્તારવાદી નીતિને વળગી રહેતું હોવાથી ભારત સાથે ઘર્ષણ થતું રહ્યું છે. હાલમાં પણ પૂર્વીય લદ્દાખમાં ચીનના સૈનિકોની સંભવિત કોઈપણ ઘૂસણખોરીનો જવાબ આપવા ભારતીય સેનાએ તેના એકમોને જમ્મુ-કાશ્મીરથી ત્યાં સ્થળાંતરિત કર્યા છે. ભારત અને ચીન વચ્ચે એક વર્ષ કરતા પણ વધુ સમયથી લશ્કરી અને સરહદી વિવાદો ચાલી રહ્યા છે. 8 મહિના પહેલાં જ પેંગોંગ તળાવના દક્ષિણ કાંઠેથી ચીની સેનાને ભગાડવામાં આવી હતી. હવે આ ક્ષેત્રના અન્ય મુદ્દાઓથી અસમંજસતા અને તણાવ ઘટાડવા બંને પક્ષો વચ્ચે વાતચીત ચાલી રહી છે. 2020માં ભારત ચીન સરહદે મોટી સંખ્યામાં જવાનો તૈનાત કરી આધુનિક હથિયારો પણ મોકલાયા હતા. આજે પણ મથુરા સ્થિત વન સ્ટ્રાઈક કોર્પ્સને ઉત્તર સરહદે તૈનાત કરાઈ છે. જ્યારે તેની એક સશસ્ત્ર ફોર્મેશન તેની નજીક જ ગોઠવાઈ છે. આ સિવાય અન્ય ક્ષેત્રોમાં ફોર્મેશન અને સૈનિકોની તૈનાતીને પણ મજબૂત કરવામાં આવી છે. દરમિયાન પૂર્વીય લદ્દાખમાં 2020ના એપ્રિલ મહિનાથી ચીની સૈનિકો સતત કોઈને કોઈ હરકત કરી રહ્યા છે.
કેટલાક મહિના પહેલાં વાટાઘાટો પછી, ચિની સૈનિકોએ કેટલાક પોઈન્ટ છોડી દીધા હતા. જો કે, આજે પણ કેટલાય સ્થળે બંને દેશોના જવાનો સામ-સામે છે. ચીનના જવાનો કોઈપણ સમયે હુમલો કરે તેવી શકયતાને પગલે ભારતે હવે આ વિસ્તારમાં એક ડિવિઝને બદલે વધારાના સશસ્ત્ર અને અન્ય સામાગ્રી સાથેના બે પૂર્ણ ડિવિઝનો શરુ કરવાનો નિર્ણય લીધો છે. જેના ભાગરુપે હવે ભારતીય જવાનોની સંખ્યામાં આ સરહદે વધારો કરાયો છે. જેમાં જમ્મુ-કાશ્મીરના આતંકવાદ વિરોધી દળના 15,000 સૈનિકોને લદાખ ક્ષેત્રમાં મોકલી અપાયા છે.
આ જવાનો લેહ સ્થિત 14 કોર હેડક્વાર્ટરને મદદ કરશે. ઉપરાંત ભારતીય સૈન્યની 17 માઉન્ટેન સ્ટ્રાઈક કોર્પ્સને ચીન સરહદે મોકલાઈ છે. જેમાં 10,000 વધારાના સૈનિકોના રૂપમાં બળ વધારાયું છે. 17 માઉન્ટેન સ્ટ્રાઈક કોર્પ્સ ભારતીય સેનાની એકમાત્ર એવી ટુકડી છે જે યુદ્ધની સ્થિતિમાં ચીન સામે આક્રમક કાર્યવાહી કરવા સક્ષમ છે.