રશિયાની સ્પુતનિક લાઇટ કોવિડ-૧૯ વેક્સિનનું ઉત્પાદન હવે ભારતમાં પણ થાય તેવા સ્પષ્ટ સંકેતો છે. સ્પુતનિક લાઇટ કોવિડ-૧૯ વેક્સિનના ડેવલપર્સે ગુરુવારે આ અંગે ફોડ પાડતા કહ્યું હતુ કે, રશિયામાં સ્પુતનિક લાઇટના ઉત્પાદનને મંજૂરી આપવામાં આવી છે. રશિયામાં ડિસેમ્બર ૨૦૨૦થી એપ્રિલ ૨૦૨૧ દરમિયાન હાથ ધરવામાં આવેલા રસીકરણ અભિયાનમાં નાગરિકોને આ જ રસી મુકાય છે. રસી અપાયાના ૨૮ દિવસ પછી થયેલા સરવેમાં સ્પુતનિક લાઇટ વેક્સિનની અસરકારકતા ૭૯.૪ ટકા નોંધવામાં આવી હતી. હવે આવનારા મહિનામાં ભારત સહિતના દેશોમાં સ્પુતનિક લાઇટ વેક્સિનનું ઉત્પાદન કરવાની અમારી યોજના છે. જે માટે ભારત સરકાર સાથે વાતાઘાટો ચાલી રહી છે. અમને આશા છે કે રસીના ઉત્પાદન માટે ભારત સરકાર મંજૂરી આપશે.
સ્પુતનિક લાઇટ રસીને રશિયાના આરોગ્ય મંત્રાલય, ગામાલેયા નેશનલ રિસર્ચ સેન્ટર ઓફ એપિડેમિઓલોજી એન્ડ માઇક્રો બાયોલોજી તેમજ રશિયાના ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ફંડના સહયોગથી વિકસાવાઈ છે. સ્પુતનિક લાઇટ કોવિડ વેક્સિન તે સ્પુતનિક-ફ વેક્સિનનું એક સ્વરૂપ છે. અત્યાર સુધી તેની અસરકારકતા 79 ટકા રહી છે. પ્રયોગશાળામાં થયેલા પ્રયોગોને અંતે ગામલ્યા સેન્ટરે કહ્યું હતુ કે, કોરોના વાઇરસના તમામ નવા સ્ટ્રેન સામે સ્પુતનિક લાઇટ વેક્સિન નાગરિકને મદદ કરે છે. આ રસીનો ઉપયોગ કરીને તેના પરિક્ષણો થઈ ચૂક્યા છે. રશિયા, ઘાના, યુએઇ સહિતના દેશના ૭૦૦૦ લોકોને સરવેમાં સમાવીને રસીની ત્રીજા તબક્કાની ક્લિનિકલ ટ્રાયલ પુરી કરાઈ છે. જેના સકારાત્મક પરિણામો મળ્યા છે. મે મહિનામાં આ અભ્યાસના વધુ તારણો બહાર આવશે.
આરડીઆઇએફના સીઇઓ કિરિલે મીડિયા સમક્ષ જણાવ્યું હતુ કે, સ્પુતનિક લાઇટ રસી આપ્યા પછી કોઇ કોઇ ગંભીર દુર્ઘટના પણ નોંધાઇ નથી. વાયરસથી હવે જે દેશ વધુ પ્રભાવિત છે ત્યાં સ્પુતનિક લાઇટ રસી અકસીર ઉપાય સાબિત થઈ શકે છે. ગંભીર પ્રકારના સંક્રમણથી તે ૧૦૦ ટકા રક્ષણ આપે છે.