ભારતમાં કેન્દ્ર સરકારે અનેક એરપોર્ટને ખાનગી ધોરણે વિકસાવવાની હિલચાલ શરૃ કરી દીધી છે. ત્યાં બીજી તરફ રાજ્ય સરકારો પણ આ યોજનામાં પુરતો સહયોગ આપી રહી છે.
ઉત્તરપ્રદેશમાં જેવર એરપોર્ટને એશિયાનું સૌથી મોટુ એરપોર્ટ તરીકે વિકસાવવા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આયોજન કર્યું છે. યોગી સરકાર દ્વારા જેવર એરપોર્ટ માટે 2000 કરોડ રૂપિયા અલગ રાખવાનો પ્રસ્તાવ મુકાયો છે. આ અંગેની જાણકારી ઉત્તરપ્રદેશના નાણા મંત્રી સુરેશ ખન્નાએ આપી હતી. એરપોર્ટ બન્યા બાદ વિકાસની ગતિ વધશે અને આ સાથે જ રોજગારીનું સર્જન થશે તેવી આશા સરકાર રાખી રહી છે. સરકારે જેવરમાં અરપોર્ટ માટે યમુના એક્સપ્રેસ- વે ઔદ્યોગિક વિકાસ પ્રાધિકરણને પોતાના તરફથી કાર્યાન્વિત એજેન્સી તરીકે નીમી દીધી છે.ય
જેવરમાં નોઇડા ઇન્ટરનેશનલ એરપોર્ટ વિક્સિત કરવા માટે જ્યૂરિખ એરપોર્ટ ઇન્ટરનેશનલ એજીની પસંદગી કરાઈ છે. યૂપી સરકારે આજે ઉત્તરપ્રદેશ વિધાનસભામાં પોતાનું પ્રથમવાર પેપરલેસ બજેટ રજૂ કર્યું હતું. ખન્નાએ સોમવારે વિધાનસભામાં 2021-22 માટે 5 લાખ 270 કરોડ 78 લાખ રૂપિયાનું બજેટ રજૂ કર્યું હતું. આ સાથે જ યૂપી સરકારની મહત્વકાંક્ષી પરિયોજના જેવર એરપોર્ટનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો. ખન્નાએ બજેટ ભાષણમાં કહ્યું હતુ કે, જેવર એરપોર્ટ પાસે યમુના એક્સપ્રેસ- વે ઉપર એક ઇલેક્ટ્રોનિક સિટીની સ્થાપના કરાશે. જેવર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ માટે 6 રન-વે બનાવવાનું આયોજન સરકાર કરી રહી છે. રાજ્ય સરકારના પ્રસ્તાવમાં આ એરપોર્ટ પર હાલ બે રન વે છે જેને બદલે હવે રન-વેની સંખ્યા વધારીને 6 કરવામાં આવનાર છે. આ વખતે જેવર એરપોર્ટ માટે 2000 કરોડ અલગ ફાળવાયા છે. ખન્નાએ વધુમાં જણાવ્યું હતુ કે, બુંદેલખંડમાં પણ રક્ષા ઇલેક્ટ્રોનિક્સ મૈન્યુફેક્ચરિંગ ક્લસ્ટરની સ્થાપના કરાશે. એરપોર્ટનું પ્રથમ ચરણ 1,334 હેક્ટરમાં ફેલાયેલું હશે અને તેમા 4,588 કરોડ રૂપિયાનો ખર્ચ સરકારને વેંઢારવાનો થશે. 2023 સુધીમાં એરપોર્ટનું કામ પૂર્ણ થવાની આશા છે.