ભારતમાં કોરોનાની ગતિ ભલે મંદ પડી રહી છે તેમ છતાં સરકાર કે પ્રજા આ બાબતે કોઈ જોખમ લેવા તૈયાર નથી. સરકારે કોવિડ સામે રક્ષણ આપતી રસીના વેક્સિનેશન માટે તમામ તૈયારી શરૃ કરી છે. તો પ્રજાએ પણ રસીકરણ કરવા તૈયારી દાખવી છે. જો કે, ભારતમાં રસીકરણની પ્રક્રિયા માટે હવો થોડા દિવસોની જ વાર છે. રસીને મંજૂરી આપવા માટે વધુ ડેટાની આવશ્યકતા પણ ઉભી થઈ છે. એક અંદાજ મુજબ 2021ના અંત સુધીમાં 30 કરોડ ડોઝ બનાવવામાં આવનાર છે.
બુધવારે ભારતમાં ‘કોવિશિલ્ડ’ રસીને મંજૂરી મળી શકે તેવા સમાચારો મીડિયામાં 15 દિવસથી ચમકી રહ્યા હતા. આમ તો સરકાર છેલ્લાં એક મહિનાથી ડીસેમ્બરના અંતમાં કે જાન્યુઆરીની શરૃઆતમાં રસીનો જથ્થો આવી જશે તેવું આશ્વાસન દેશને આપતી હતી. પરંતુ હવે દેશવાસીઓએ રસી માટે થોડા વધુ દિવસો રાહ જોવી પડી શકે છે. બુધવારે ભારતમાં ત્રણ કંપનીઓની રસી મંજૂર થઈ જવાની આશા હતા. પરંતુ સબજેક્ટ એક્સપર્ટ કમિટીએ આ સંદર્ભે 1 જાન્યુઆરીએ ફરીથી બેઠક બોલાવી છે. સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશનની સબ્જેક્ટ એક્સપર્ટ કમિટિ દ્વારા ફાઇઝર, સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઈન્ડિયા તથા ભારત બાયોટેક પ્રાઇવેટ લિમિટેડની વિનંતી અંગે વિચારણા કરવા બેઠક બોલાવી છે. આ કંપનીઓએ તેણે બનાવેલી રસીનો કટોકટી સમયે ઉપયોગ થઈ શકે તેવો દાવો કર્યો છે.
બુધવારે યોજાયેલી બેઠક પછી એસઇસીએ નિવેદન આપ્યું હતુ કે, ઓક્સફર્ડ-એસ્ટ્રાઝેનેકા ‘કોવિશિલ્ડ’ રસી અને ભારત બાયોટેકની ‘કોવાક્સિન’ને કટોકટી સમયે ઉપયોગમાં લેવાની મંજૂરી આપવા માટે વધુ ડેટાની જરૂર હતી. સીરમ ઇન્સ્ટિટ્યૂટ અને ભારત બાયોટેક પ્રા.લિ. પાસેથી વધુ માહિતી મંગાઈ છે. જ્યારે ફાઈઝર પાસેથી વધુ સમય માંગવામાં આવ્યો છે. સીરમ સંસ્થા અને ભારત બાયોટેક પ્રા.લિ. દ્વારા અતિરિક્ત ડેટા અને માહિતી પ્રદાન કરવામાં આવી હતી, જેના આધારે એસઇસી દ્વારા વિશ્લેષણ શરૂ થઈ ચુક્યું છે. એસઇસી તરફથી વધારાના ડેટા અને માહિતી માટે વિશ્લેષણ ચાલી રહ્યું છે. હવે એસઇસી શુક્રવારે 1 જાન્યુઆરીએ ફરી બેઠક કરશે. બીજી તરફ બ્રિટનમાં રસીને મંજૂરી મળી હતી. તેથી ત્યાંના લોકોને ઑક્સફર્ડ-એસ્ટ્રાઝેનેકાની કોરોના રસીના ડોઝ મળવાનું શરૂ થશે. સીરમ સંસ્થા ભારતમાં ઑક્સફર્ડ-એસ્ટ્રાઝેનેકાની કોરોના રસી બનાવી રહી છે. સીરમ ઇન્સ્ટિટ્યૂટ અનુસાર, શરૂઆતમાં ભારતમાં કોવિશીલ્ડના 4-5 કરોડ ડોઝ સંગ્રહિત કરવામાં આવ્યા છે. જ્યારે 2021ના અંત સુધીમાં 30 કરોડ ડોઝ બનાવવા આયોજન છે.
ભારતમાં સરકાર વતી રસી આપવાની તૈયારી પહેલાથી જ ચાલી રહી છે. શરૂઆતમાં મુખ્ય રીતે 30 કરોડ લોકોને રસી પહોંચાડવાનો લક્ષ્યાંક રખાયો છે. જેમાં આરોગ્ય કાર્યકરો, પોલીસકર્મીઓ, કોરોના વોરિયર્સ, 50 વર્ષથી ઉપરના લોકો અને માંદા લોકોને પ્રાથમિકતા અપાશે. શરૂઆતમાં રસીને કટોકટી સમયે ઉપયોગ માટે મંજૂરી આપવાની વાતો હતી, કારણ કે બ્રિટનમાં ઑક્સફર્ડ યુનિવર્સિટીની રસીને મંજૂરી આપવામાં આવી છે. તેથી ભારતમાં તેને મંજૂરીની અપેક્ષા પણ વધી ગઈ હતી. જો કે હવે આ માટે 1 જાન્યુઆરી સુધી રાહ જોવી પડશે. છેલ્લા કેટલાક દિવસોથી દેશના ચાર રાજ્યોમાં રસીકરણના ટ્રાયલ ચાલી રહ્યા છે. પંજાબ, આસામ જેવા રાજ્યોમાં રસીકરણ ડ્રાઇવ રન કરવામાં આવ્યું છે, જેમાં રસીના ડોઝ આપવાની પ્રક્રિયાનો ટ્રાયલ કરવામાં આવ્યો છે.