કોરોનાની મહામારીએ સમગ્ર વિશ્વને ભરડામાં લઈને વર્તાવેલા કેર વચ્ચે હવે ધીમે ધીમે વેકસીનની ટ્રાયલ અનેક દેશમાં શરૃ કરી દેવાઈ છે. મહામારીસામેની લડાઇમાં ભારત ફરી પાડોશીધર્મ બજાવવા જઈ રહ્યો છે. હાલમાં ભારત તેની આસપાસના દેશોને કોરોના સામેના જંગમાં સહાય કરવા તૈયારી કરી રહ્યું છે. અફઘાનિસ્તાન, ભુતાન, બાંગ્લાદેશ, નેપાળ, માલદિવ અને મોરેશિયસમાં પણ કોરોનાના નોંધપાત્ર કેસ છે. તેથી આ દેશોને ભારત સરકાર કોરોના વેક્સિનના 1 કરોડ ડોઝ દાનમાં આપે તેવી સંભાવના છે. આ માટે પુનામાં કોરોના વેક્સિન બનાવી રહેલી સીરમ ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડિયા અને ભારત બાયોટેકને રસીના ઓર્ડર આપવાનું શરૂ કરી દેવાયું છે. મોદી સરકાર પાડોશી દેશની મદદ માટે ભારત બાયોટેક પાસેથી કોવેક્સિન રસીના વધુ 45 લાખ ડોઝ ખરીદશે તેમ સુત્રોએ જણાવ્યું છે. આ 45 લાખ ડોઝમાંથી આઠ લાખ ડોઝ મોરેશિયિસ, ફિલિપાઇન્સ અને મ્યાંમાર જેવા મિત્ર દેશોને મોકલી અપાશે. જે બદલ ભારત તે મિત્ર દેશ પાસેથી પૈસા વસૂલશે નહીં. મળતી વિગતો મુજબ ભારત બાયોટેક કંપનીએ સરકાર દ્વારા ઓર્ડર મળ્યા બાદ લેટર ઓફ કમ્ફર્ટ સરકારને મોકલી આપ્યો છે. હવે સરકાર વર્ક ઓર્ડર આપે કે તરત આ જથ્થો કંપનીમાંથી રવાના કરી દેવાશે.
મીડિયાના રિપોર્ટ પ્રમાણ મોદી સરકાર હવે ભારત આસપાસના મિત્ર દેશોને એક કરોડ ડોઝ દાન કરવાનો નિર્ણય પણ ટૂંક સમયમાં જ લઈ શકે છે. ભારતમાં મોટી સંખ્યામાં આરોગ્ય કર્મચારીઓ અને ફ્રન્ટલાઇન વર્કર્સ માટે પૂરતી વેક્સિન ઉપલબ્ધ નથી. તેમ છતાં રાજદ્વારી સંબંધો મજબૂત બનાવવા વેક્સિન દાન કરવાની દીશામાં સરકાર ગંભીરતા પૂર્વક વિચારણા કરી રહી છે. માલદિવ ભારત પાસેથી કોવિશીલ્ડ રસી મેળવનારો પહેલો દેશ બનશે. બુધવારે કોવિશીલ્ડ રસીનો જથ્થો માલદિવ રવાના કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે. માલદિવ સરકારની મંજૂરીઓ અને રેગ્યુલેટરી એપ્રૂવલ સહિતની તમામ કામગીરી પૂરી થઈ જતા આ પ્રક્રિયા બુધવારે સાંજ સુધીમાં કરી દેવાશે. ભારતે મોકલેલી રસી થકી માલદિવના તમામ આરોગ્ય કર્મચારી અને સિનિયર સિટિઝનને રસી અપાઇ જશે. ભારત દ્વારા માલદિવને અપાતી 250 મિલિયન ડોલરની માનવીય સહાય અંતર્ગત આ રસી મોકલાશે. સીરમ ઇન્સ્ટિટયૂટની કોવિશિલ્ડ અને ભારત બાયોટેકની કોવેક્સિનના 1 કરોડ ડોઝ અફઘાનિસ્તાન, ભુતાન, બાંગ્લાદેશ, નેપાળ, શ્રીલંકા, માલદિવ, મોરેશિયસ અને સેશેલ્સ જેવા દેશને દાનમાં આપી ભારત એક મિત્ર તરીકે ઉત્તમ દેશ બની શકે છે તેવો સંદેશો ભારત દુનિયામાં આપવા માંગે છે. વધુમાં બાંગ્લાદેશ સીરમ કંપની પાસેથી કોવિશીલ્ડના ૩ કરોડ ડોઝ ખરીદવાની દીશામાં પ્રક્રિયા આગળ ધપાવી રહ્યું છે. જેમાં કોવિશીલ્ડના 20 લાખ ડોઝ બાંગ્લાદેશને દાનમાં અપાય તેમ સુત્રોએ ઉમેર્યું છે.