ભારતના જેવલીન થ્રોઅર્સે ટોક્યો પેરાલિમ્પિક્સમાં તેમનું શાનદાર પ્રદર્શન ચાલુ રાખ્યું છે. સુમિત એન્ટિલે આ સ્પર્ધામાં ભારતને ત્રીજો મેડલ અપાવ્યો છે. તેણે સોમવારે પુરુષોની (F64 કેટેગરી) ફાઇનલમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. સુમિતની આ જીત સાથે ભારતની મેડલ ટેલી 7 થઈ ગઈ છે. સુમિતે 68.55 મીટર દૂર બરછી ફેંકીને ગોલ્ડ મેડલ જીત્યો. સુમિત એન્ટિલનો આ થ્રો પણ વર્લ્ડ રેકોર્ડ બની ગયો છે. ટોક્યો પેરાલિમ્પિક્સમાં ભારતનો આ બીજો ગોલ્ડ મેડલ છે. સુમિત પહેલા અવની લખેરાએ શૂટિંગમાં ભારતને ગોલ્ડ અપાવ્યું હતું. તેણીએ સોમવારે મહિલા R-2 10m એર રાઇફલ સ્ટેન્ડિંગ SH1 માં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરીને ગોલ્ડ મેડલ જીત્યો હતો.
સુમિતે આ મેચમાં પોતાનો જ રેકોર્ડ તોડ્યો છે. તેણે પ્રથમ પ્રયાસમાં 66.95 મીટર ફેંક્યા હતા, જે વર્લ્ડ રેકોર્ડ બન્યો હતો. આ પછી, બીજા પ્રયાસમાં તેણે 68.08 મીટર ફેંકીને પોતાનો જ રેકોર્ડ તોડ્યો. સુમિતે તેના પ્રદર્શનમાં વધુ સુધારો કર્યો અને પાંચમા પ્રયાસમાં 68.55 મીટર ફેંકીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો. આ પહેલા સોમવારે દેવેન્દ્ર ઝાઝરીયા અને સુંદર સિંહ ગુર્જરે પણ જેવલીન થ્રોમાં મેડલ જીત્યા હતા. દેવેન્દ્રએ સિલ્વર અને સુંદરસિંહે બ્રોન્ઝ મેડલ જીત્યો. ભારતના ડિસ્ક થ્રો એથ્લીટ વિનોદ કુમારે સોમવારે પેરાલિમ્પિક્સ મેન્સ F52 ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ ગુમાવ્યો હતો, કારણ કે ટુર્નામેન્ટની પેનલ દ્વારા લાયકાત નિરીક્ષણમાં ‘અયોગ્ય’ મળી હતી. આ સાથે ભારતના હાથમાંથી એક મેડલ જતો રહ્યો છે. જણાવી દઈએ કે વિનોદ કુમારે રવિવારે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. પરંતુ તેની લાયકાત પર વિરોધ થયો હતો, ત્યારબાદ મેડલ અટકાવી દેવામાં આવ્યો હતો. 41 વર્ષીય બીએસએફ જવાન વિનોદ કુમાર 19.91 મીટરની શ્રેષ્ઠ ફેંક સાથે ત્રીજા સ્થાને રહ્યો હતો.