જમ્મુ કાશ્મીર લિબરેશન ફ્રન્ટ (JKLF)ના વડા યાસીન મલિકની પત્ની મુશાલ હુસૈન મલિકે રાહુલ ગાંધીને પત્ર લખ્યો છે. મુશલ હુસૈન મલિકે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીને પત્ર લખીને તેમના જેલમાં બંધ પતિનો મુદ્દો સંસદમાં ઉઠાવવા વિનંતી કરી હતી. મુશાલે દાવો કર્યો હતો કે તેના પતિ જમ્મુ-કાશ્મીરમાં શાંતિ જાળવવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.
માનવાધિકાર અને મહિલા સશક્તિકરણના મુદ્દે પાકિસ્તાનના વડા પ્રધાનના ભૂતપૂર્વ સહાયક મુશાલે રાહુલ ગાંધીને લખેલા પત્રમાં ત્રણ દાયકા જૂના રાજદ્રોહ કેસમાં મલિક વિરુદ્ધ ચાલી રહેલી સુનાવણી તરફ તેમનું ધ્યાન દોર્યું છે. જેમાં નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ તેને ફાંસીની સજા આપવા વિનંતી કરી છે.
આતંકવાદી મની લોન્ડરિંગ સંબંધિત કેસમાં દિલ્હી હાઈકોર્ટમાં NIA દ્વારા તેમની વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજી પર કાશ્મીરી અલગતાવાદી નેતા મલિક પોતે દલીલ કરી રહ્યા છે. NIAએ આ મામલામાં અપીલ દાખલ કરી છે અને કોર્ટને મલિકને ફાંસીની સજા આપવા વિનંતી કરી છે.
NIAએ 2017ના આ કેસમાં મલિક સહિત અનેક લોકો સામે ચાર્જશીટ દાખલ કરી હતી. 2022માં નીચલી કોર્ટે મલિકને આજીવન કેદની સજા સંભળાવી હતી. મુશાલે કહ્યું કે યાસીન મલિક જેલમાં અમાનવીય વ્યવહારના વિરોધમાં 2 નવેમ્બરથી અનિશ્ચિત સમયની ભૂખ હડતાળ પર છે. આ ભૂખ હડતાલ મલિકના સ્વાસ્થ્ય પર વધુ વિપરીત અસર કરશે. આ તે વ્યક્તિના જીવનને જોખમમાં મૂકશે જેણે શસ્ત્રો છોડીને અહિંસાના માર્ગ પર ચાલવાનું પસંદ કર્યું છે.