જુલાઈ 2020માં પેંગગોગ સરહદેથી શરૃ થયેલો એલએસી વિવાદ ભારત અને ચીન વચ્ચે 8 મહિના સુધી ચાલ્યો હતો. પખવાડિયા પહેલાં જ બંને દેશ વચ્ચે સમાધાન થતાં એલએસી પરથી સૈન્યને તબક્કાવાર રીતે પરત ખેંચવાની શરૃ કરાયું છે. હવે ભારત સાથે સમાધાન કર્યા બાદ ચીન ફરી નાપાક હરકત કરી રહ્યાનો દાવો અમેરિકન કંપનીએ કર્યો છે. કંપનીએ ભારતને ચેતવણી આપતા કહ્યું છે કે, ચીની હેકર્સ તમારા કોઈપણ બંદરને નિશાન બનાવી શકે છે. કારણ કે, લદ્દાખ સરહદે પીછે હઠ કર્યા પછી ચીન હવે ભારત વિરુદ્ધ સાઇબર વૉર કરવા માંડ્યું છે. કંપનીએ ભારતને આ બાબતે પુરાવા આપ્યા છે, અમેરિકન કંપનીએ પણ આ અંગે અધિકારીઓને એલર્ટ કરી દીધા છે.
અમેરિકન કંપની રિકૉર્ડેડ ફ્યૂચરે હેકરોની ગતિવિધિ પર નજર રાખવાનું કાર્ય કરે છે. આ કંપનીએ ભારતને વિધિવત રીતે કહ્યું છે કે, ચીન દ્વારા પ્રેરિત હેકરોએ ભારતના એક બંદરને નેટવર્ક સિસ્ટમને ખોલવામાં સફળતા મેળવી છે. આ નેટવર્ક સિસ્ટમમાં હેકરો અત્યારે પણ એક્ટિવ છે. જો કે, હાલ તે વિશે જાણ થઈ જતા દક્ષિણ એશિયાઈ દેશોના ઇલેક્ટ્રિક ક્ષેત્રમાં હેકરોના ઘુસણખોરીના પ્રયાસોને રોકી દેવાયા છે. રેકોર્ડ ફ્યુચરના ચીફ ઑપરેટિંગ ઓફિસર સ્ટુઅર્ટ સોલોમના જણાવ્યા પ્રમાણે મંગળવાર સુધીમાં ચીનની સાથે જોડાયેલા હેકર્સના જૂથ અને ભારતીય દરિયાઇ બંદરની નેટવર્ક સિસ્ટમ વચ્ચે ટ્રાફિક એક્સચેન્જ થયો છે. અગાઉ 10 ફેબ્રુઆરીએ ભારતના કૉમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમને આ વિશે સુચના આપી દેવાઈ હતી.
હેકરોએ ભારતીય પાવર ગ્રિડથી જોડાયેલી ઓછામાં ઓછી 10 સંસ્થાઓ અને મેરિટાઇમ પોર્ટને ટાર્ગેટ કરવાનું ધાર્યું હોય તેમ તેઓની હિલચાલ પરથી સ્પષ્ટ જણાય છે. ભારતીય સંસ્થાઓ અને હેકરોની વચ્ચે 28 ફેબ્રુઆરી સુધી આ કનેક્શન એક્ટિવ હતા. જે અત્યારે પણ સક્રિય છે. કંપનીના જણાવ્યા મુજબ, આ સાયબર એટેક પૂર્વ લદ્દાખમાં ભારત અને ચીનની સેના વચ્ચેના તણાવના સમયથી થઈ રહ્યા છે. બીજી તરફ ભારતના ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયે આ વિશે હજી કોઈ ફોડ પાડ્યો નથી. જયારે બુધવારે ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા વાંગ વેનબિને કહ્યું કે, કોઈ પણ પુરાવા વગર કોઈએ અમારા દેશના નાગરિકો પર આરોપો મુકવા જોઈએ નહી.