ભારતમાં અનેક લોકો પાસે બ્લેકમની હોવાથી આવા લોકો છેલ્લાં પાંચ સાત વર્ષથી ક્રિપ્ટો કરન્સી પાછળ ઘેલા થયા છે. ભારત સરકારે સ્વીઝબેંકમાં થઈ રહેલા ભારતીયોના રોકાણ પર નજર રાખવાનું ચાલુ કરતા જ હવે અનેક લોકો વર્ચુઅલ કરન્સીમાં રસ દાખવતા થયા છે. હાલમા આવેલા એક અહેવાલમાં ભારતીયો દ્વારા ક્રિપ્ટોમાં 49.16 હજાર કરોડનું રોકાણ થયાનું બહાર આવ્યું છે. આ આંકડો ગત વર્ષ કરતા 612 ટકા વધુ હોવાનું પણ આ અહેવાલમાં નોંધવામાં આવ્યું છે. બીજી તરફ ભારતીયોના આ વલણથી હવે વિશ્વના ટોચના ક્રિપ્ટો એક્સચેન્જ કોઈનબેઝનું નવું હબ ભારતમાં બને તેવી શકયતા છે. કોઇનબેઝની ભારતમાં વર્લ્ડ ક્લાસ ટીમ તૈયાર કરવાની યોજના છે.
અત્યાર સુધી ભારતીયો પોતાની રોકડ સંપતીમાંથી સોના-ચાંદી, પ્રોપર્ટી, ઈક્વિટીમાં ઇન્વેસ્ટમેન્ટ કરતા હતા. આ ઉપરાંત શેર બજાર પણ આવા લોકો માટે એક રોકાણ કરવાનું પ્લેટફોર્મ રહ્યું છે. જો કે, હવે સ્થિતિ ધીમે ધીમે બદલાઈ રહી છે. ભારતીય રોકાણકારો હવે ક્રિપ્ટો કરન્ટી તરફ વળી રહ્યા છે. હાલમાં 15 મિલિયનથી વધુ ભારતીયો ક્રિપ્ટોમાં ટ્રેડિંગ કરી રહ્યા છે. જે અમેરિકા કરતાં 8 મિલિયન ઓછા અને યુકે કરતાં 2.3 મિલિયનથી વધુ છે. મળતી વિગતો મુજબ કેટલાક દેશોમાં ક્રિપ્ટો મામલે ચાલતી અટકળો તેમજ એલન મસ્કના અવારનવાર નિવેદનોને કારણે બિટકોઈનમાં વોલ્યુમ એક માસમાં અડધા થયાં છે. કોઈન માર્કેટકેપ મુજબ, 10 જૂન,2021ના રોજ 52,204 કરોડ ડોલર વોલ્યુમ સાથે બિટકોઈન 37,836 ડોલર ઉપર ટ્રેડેડ હતો. જેનું વોલ્યુમ 10 જુલાઈના 26,721 કરોડ ડોલર રહ્યું હતુ. આ સાથે તે હવે 33,821 ડોલર આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે.
બીજી તરફ છેલ્લા એક વર્ષમાં ક્રિપ્ટો કરન્સીમાં ભારતીયોનું રોકાણ 612 ટકા વધ્યુ છે તે બાબત આશ્ચર્યજનક છે. તાજેતરમાં બ્લોકચેઈન એનાલિટિક્સ ફર્મ ચેઈનાલિસિસ દ્રારા એક અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. જેમાં સ્પષ્ટ રીતે નોંધવામાં આવ્યું છે કે, ભારતીયોએ એપ્રિલ 2020 સુધીમાં 923 મિલિયન ડોલરનું રોકાણ ક્રિપ્ટો કરન્સીમાં કર્યું છે. આ આંકડો ભારતીય ચલણ મુજબ રૂ. 6875 કરોડ છે. જયારે એપ્રિલ મહિના બાદ મે 2021 સુધીમાં તે આંકડો 6.6 અબજ ડોલર એટલે કે રૂ. 49162 કરોડ નોંધાયો છે.
ભારતમાં સરકાર દ્વારા ક્રિપ્ટો કરન્સી ઉપર પ્રતિબંધ લાદવા કાયદો પસાર કરાયો છે. આમ છતાં આગામી સમયમાં તેમાં ફેરફાર થવાની તીવ્ર સંભાવના છે. હવે આ સ્થિતિમાં કોઈનબેઝ ભારતમાં ક્રિપ્ટો વિશે ભારતીયોને યોગ્ય ટ્રેનિંગ, માર્ગદર્શન આપવા માંગે છે. જેથી તે હવે શ્રેષ્ઠ એન્જિનિયર્સ, ટેક્ બિલ્ડર્સ, અને આંત્રપ્રિન્યોર્સની વર્લ્ડ ક્લાસ ટીમ તૈયાર કરવાનું આયોજન કરી રહી છે. માર્ચમાં કોઈનબેઝે જાહેરાત કરી હતી કે, તે હૈદરાબાદમાં ઓફિસ શરૂ કરવાની ઈચ્છા ધરાવે છે. જો કે, ક્રિપ્ટો પરના પ્રતિંબંધોને કારણે કોઈનબેઝ અનેક પડકારોનો સામનો કરી રહ્યુ છે. હાલ ભારતમાં કંપનીના ઓપરેશન સેન્ટર્સ, એન્જિનિયરિંગ અને સોફ્ટવેર ડેવલપમેન્ટ મામલે કોઈ અસર થશે નહિં તેવો દાવો કરાયો છે